હાઈકોર્ટે જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના બંને પોલીસ સ્ટેશન-રામોલ અને નરોડા ખાતે નોંધાયેલી ફરિયાદમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસના મુખ્ય આરોપી અને આશા ફાઉન્ડેશનના પ્રમુખ હર્મેશ ભટ્ટના શેસન્સ કોર્ટ દ્વારા આગોતરા જામીન ફગાવી દેવામાં આવ્યા હતા. પશુ માલિકો દ્વારા તેની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો હતો.
આ કેસમાં અગાઉ સેસન્સ કોર્ટે આશા ફાઉન્ડેશનના મેનેજર અમિત ભાવસારના આગોતરા જામીન ફગાવ્યા હતા. આશા ફાઉન્ડેશનના સભ્ય હર્મેશ ભટ્ટ પર પોલીસે સાચવવા આપેલા 1380 જેટલા ઘેટાં - બકરા કે જેની કિંમત 32 લાખ રૂપિયા જેટલી થાય છે તેને ગેરકાયદેસર રીતે 38 લાખ રૂપિયામાં વેંચી મારવાનો કૌભાંડ સામે આવ્યો છે.
અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સોસાયટી દ્વારા 4થી ડિસેમ્બરના રોજ રામોલ પોલીસ સ્ટેશનની હદમાંથી 218 જેટલા ઘેટા બકરા કબજે કરી પોલીસને સોંપ્યા હતા. બાતમીના આધારે ઘેટા બકરા ને લઇ જતી ટ્રકને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આ સમગ્ર પ્રકરણમાં આશા ફાઉન્ડેશનના સભ્ય અને સંચાલક હર્મેશ ભટ્ટ, રાણીપ બકરા મંડીના શહીદ અહેમદ, હનીફ થરુણ સહિતના લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
પોલીસે અલગ-અલગ વિસ્તારમાં બાતમીના આધારે છ ડિસેમ્બરના રોજ નરોડામાં દરોડા પાડી 960 ઘેટાં-બકરાને લઈ જતી ચાર ટ્રક ઝડપી પાડી હતી. ૮ મી ડિસેમ્બરના રોજ ઓઢવમાંથી 182 ઘેટા-બકરા પોલીસે કબજે કર્યા હતા. કબજે કરાયેલા તમામ ઘેટાં-બકરાઓને હાથીજણ ખાતે આવેલી જીવદયા સંસ્થા આશા ફાઉન્ડેશન ને સોંપવામાં આવ્યા હતા.