ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને એ.જે. શાસ્ત્રીની ડિવિઝન બેન્ચે ચુકાદામાં નોંધ્યું હતું કે, મેડિકલ કોલેજમાં કુલ 31 પૈકી 7 ફેકલ્ટી પોસ્ટ ગ્રેજ્યુએશન ડીગ્રી ન ધરાવતા હોવાથી સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હોમિયોપથી (CCH) નિયમ પ્રમાણે ગેરલાયક હોઈ બાકીના લાયકાત ધરાવતા 24 ફેકલ્ટી કે, જે કુલ ફેકલ્ટીની સંખ્યાના 80 ટકા થાય છે. તેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાનો આદેશ કર્યો હતો.
ગત વર્ષે BHMS કોર્સમાં કુલ 31 ફેકલ્ટીની સામે 100 વિધાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે ચાલું વાર્ષિક વર્ષે 7 ફેકલ્ટી ગેરલાયક હોવાથી 60 વિધાર્થીઓને જ પ્રવેશ અપવામાં આવ્યો હોવાથી હાઇકોર્ટે લાયકાત ધરાવતા 24 ફેકલ્ટી કે, જે કુલ સંખ્યાના 80 ટકા થાય છે. તેને આધાર રાખીને 60ની જગ્યા 80 વિધાર્થીઓને પ્રવેશ આપવાનો આદેશ કર્યો હતો.
આ મુદ્દે કેન્દ્ર સરકારના વકીલ દલીલ કરતા રજૂઆત કરી હતી કે, સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હોમયોપેથીના અનુછેદ 4 પ્રમાણે કોઈપણ ફેકલ્ટી માટે પોસ્ટ ગ્રેજ્યુએટ હોવું ફરજિયાત છે, ત્યારે 7 ફેકલ્ટી પોસ્ટ-ગ્રેજ્યુએટ ન હોવાથી કુલ 24 લાયકાત ધરાવતા ફેકલ્ટીના પ્રમાણના આધારે ચાલુ શૈક્ષણિક વર્ષ માટે સેન્ટ્રલ કાઉન્સિલ ફોર હોમિયોપેથી દ્વારા 60 વિદ્યાર્થીઓના પ્રવેશ માટેની ભલામણ કરવામાં આવી હતી.
હાઈકોર્ટે મેડિકલ કોલેજને ચુકાદાના આધારે પ્રવેશ લેતા 20 વિદ્યાર્થીઓની મેરીટ લિસ્ટના આધારે પસંદગી કરવામાં આવે અને તેમને (L.O.P) લેટર ઓફ પરમિશન વહેલી તકે આપવામાં આવે જેથી પ્રવેશ માટેની 30મી સપ્ટેમ્બર સુધીની તારીખમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લઈ શકે. હાઈકોર્ટે નોંધ્યું કે, પ્રવેશ મેળવવાની તારીખ વીતી ગયા બાદ કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહી.
ગત વર્ષે રાજકોટની એચ.એન.શુક્લા હોમિયોપેથિક મેડિકલ કોલેજના BHMS કોર્સમાં 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જ્યારે આ વર્ષે યોગ્ય લાયકાત ધરાવતા ફેકલ્ટીના અભાવને કારણે માત્ર 60 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હોવાથી હાઇકોર્ટમાં સિંગલ જજ સામે રિટ દાખલ કરવામાં આવી હતી. હાઇકોર્ટના સિંગલ જજે વચગાળાની રાહત આપતા 100 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા આદેશ કર્યો હતો. જેની સામે કોલેજ દ્વારા ડબલ બેન્ચમાં અપીલ કરવામાં આવી હતી.
અમદાવાદથી આકિબ છીપાનો વિશેષ અહેવાલ