ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના નેતા ફિરોઝ મલેક અને સુરત શહેર માઈનોરિટી સેલ અધ્યક્ષ હાજી ચંદીવાલા હિંસાની ઘટના બાદથી ફરાર હતા. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો. બંને નેતાઓ દ્વારા ધરપકડ સામે સ્ટે મેળવવા હાઈકોર્ટમાં 16મી જુલાઈના રોજ અરજી કરી હતી. જેમાં 19મી જુલાઈના રોજ કોર્ટે સ્ટે મંજૂર કર્યો હતો.
કોર્ટે મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, બંને નેતાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા આઈપીસી કલમ 307 મુજબ જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે તદન ખોટી છે. જો કે, આ મમાલે વધુ તપાસ જારી રાખવાનો કોર્ટે આદેશ કર્યો હતો. અરજદારને તપાસમાં સહયોગ કરવાનો અને પોલીસને ચાર્જશીટ દાખલ કરવાનો કોર્ટે આદેશ કર્યો હતો.
આ મુદ્દે વાતચીત કરતા પ્રદેશ કોંગ્રેસ કમિટિના સભ્ય ફિરોઝ મલિકે જણાવ્યું હતું કે, મક્કાઈ બ્રિજ સર્કલ આગળ રેલી કાઢવાની પરવાનગી ન હોવાથી અમે લોકોને રજૂઆત કરી રહ્યા હતા. ત્યાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષળ થતા મામલો બિચક્યો હતો. તાઝિયા અને ગણપતિ વિસર્જન દરમ્યાન પણ કાયદો-વ્યવસ્થા જાળવવા સતત સક્રિય રહ્યા છે.
સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે પોલીસ દ્વારા અગાઉ રેલીની બડા મેદાનથી મક્કાઈ બ્રિજ સર્કલ સુધી પરવાનગી આપી હતી. જો કે, રેલીના 45 મિનિટ પહેલાં પરવાનગી રદ કરી દેવામાં આવી હતી. બપોરે 3 વાગ્યે આશરે મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા અને પોલીસે ટોળાને રોકાવાના પ્રયાસ કરતા બંને વચ્ચે મામલો બિચક્યો હતો. 5મી જુલાઈના રોજ થયેલી હિંસામાં પોલીસે 4 હજારથી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે. જે પૈકી 50 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 12 જેટલા લોકોના જામીન મંજૂર થઈ ગયા છે.