અમદાવાદ/જૂનાગઢ/ ભાવનગર/ સુરતઃ ચોમાસાના ત્રીજા રાઉન્ડમાં મેઘરાજાએ હવે અનેક જિલ્લાઓમાં મુશ્કેલીઓ ઊભી કરી દીધી છે. ખેડૂતોથી લઈને સામાન્ય પ્રજા સુધી હવે મેઘરાજા ખમૈયા કરે એવું લોકો ઈચ્છે છે. રવિવારે પણ વહેલી સવારથી સૌરાષ્ટ્રના મહાનગર રાજકોટમાં વરસાદ થયો હતો. ધીમી ધારે વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારો જળબંબાકાર કરી દીધા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. રાજકોટમાં વરસાદને કારણે ડેમમાં નવા નીર આવ્યા છે. આજીડેમમાં નવા નીરની આવક થઈ હતી. ન્યારી-2, લાલપરી, સોડવદર, ફોફળ, મોજ, વાછપરી, વેરી ડેમ, છાપરવડી-1 અને 2 સહિતના ડેમનો નવા નીરથી વિશાળ જળરાશિ જોવા મળી હતી.
ડેમના દરવાજા ખોલાયાઃ ન્યારી એક ડેમમાં પાણીની આવક થતા ડેમના દરવાજા ત્રણ ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા. જ્યારે ત્રણ દરવાજા ખોલાતા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. રાજકોટની જીવાદોરી સમાન ડેમ આજીની સપાટી 27.70 સુધી પાણી પહોંચી ગયું હતું. જેના કારણે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. રાજકોટમાં શનિવારથી જ શહેરમાં ધીમીધારે વરસાદ થયો હતો, રવિવારની વહેલી સવારે 1 કલાકમાં રાજકોટમાં સવા ઇચ વરસાદ નોંધાયો હતો. શહેરમાં મોસમનો કુલ 25 ઇચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના દસ ડેમોમાં 24 કલાકમાં નવા નીરની આવક થઇ છે. જેમાં ભાદર ડેમમાં 1.44 ફૂટ, ફાડદંગબેટીમાં 1.31 ફુટ, કરમાળ ડેમમાં 0.98 ફૂટ, મોતીસર, ઇશ્વરિયા અને ગોંડલી ડેમમાં 0.66 ફૂટ, ન્યારી-1ડેમમાં 0.49 ફૂટ, માલગઢ અને ખોડાપીપર ડેમમાં 0.33 ફૂટ, ઘેલો સોમનાથ ડેમમાં 0.10 ફૂટનો સપાટીમાં વધારો થયેલો છે. આજી 1 ડેમ થયો ઓવરફલો થયો હતો.
અમદાવાદના હાલ બેહાલઃ શનિવારે પડેલા વરસાને કારણે સ્માર્ટ સિટીમાં પાણી ભરાઈ ગયા હતા. તંત્રની પ્રિ-મોનસુન કામગીરી ઉઘાડી પડી ગઈ હતી. નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. મણીનગર વિસ્તારમાં લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હોળીની મદદ લેવામાં આવી હતી. જ્યારે ઈન્ટરનેશનલ એરપોર્ટના રન-વે પર પાણી ભરાઈ ગયા હતા. એરપોર્ટના રન-વે પર પાણી ભરાતા વિમાનમાંથી ઊતરતા પ્રવાસીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત એરપોર્ટ ઓથોરિટી તરફથી પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ ન હતી. રન-વે જ નહીં એરપોર્ટના પાર્કિંગમાં પણ પાણી ભરાઈ ગયા હતા.
108 ફસાઈ હતીઃ અમદાવાદમાં આભ નીચોવાયું હોય એવી સ્થિતિ શનિવારા રાત્રે જોવા મળી હતી. સતત વરસી રહેલા વરસાદથી અમદાવાદના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. જેના કારણે જનજીવનને માઠી અસર પહોંચી હતી. એરપોર્ટથી લઈને અંડરબ્રીજ સુધી તમામ જગ્યાઓ પર પાણી ભરાઈ ગયા હતા. જ્યાં નજર પડે ત્યાં માત્ર જળ સામ્રાજ્ય જોવા મળ્યો હતું. સૌથી વધારે વરસાદ અમદાવાદના બોપલ વિસ્તારમાં પડ્યો હતો. અમદાવાદ ભારે વરસાદમાં સગર્ભા મહિલાને 108 દ્વારા સહી સલામત હોસ્પિટલ ખસેડવામાં આવી. પ્રાઇવેટ ગાડી વરસાદ ફસાઈ જતા 108ની મદદ માંગી હતી. 108 તાત્કાલિક સ્થળે પહોંચી મહિલાને સહી સલામત હોસ્પિટલ પહોંચાડવામાં આવી. મેઘાણીનગરથી અસારવા સિવિલ લઈ જવામાં આવી હતી.
પરિવહનને અસરઃ રાજકોટથી જૂનાગઢ જતી અંદાજિત 40 જેટલી બસની ટ્રીપ રદ કરવામાં આવી હતી, રસ્તો કાર્યરત થયા બાદ આ બસોને શરૂ કરવામાં આવી હતી. શનિવારે વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અનેક ફ્લાઈટે હવામાં ચક્કર મારવા પડ્યા હતા. જ્યારે એક ફ્લાઈટને વડોદરા ડાઈવર્ટ કરવામાં આવી હતી, સ્માર્ટ સિટીનું ઈન્ટરનેશનલ એરપોર્ટ તળાવમાં ફેરવાયું હતું. અનેક હોલમાં પાણી ઘુસી ગયા હતા. જ્યારે અમદાવાદથી સૌરાષ્ટ્ર બાજુ રવાના થતી ટ્રેન પણ મોડી પડી હતી.
જૂનાગઢ પાણી પાણીઃ બંગાળની ખાડીમાં સર્જાયેલી ત્રણ સિસ્ટમમાં લૉ પ્રેશર ઊભું થતા ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ખરાબ સ્થિતિ જૂનાગઢની થઈ હતી. જ્યાં અનેક વિસ્તારમાં પાણી ભરાઈ જતા NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. પાણીમાં લોકો પોતાનો જીવ બચાવવા માટે જાણે કે મથામણ કરતા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. પ્રથમ વખત આ પ્રકારનો અતિ ભારે વરસાદ પડ્યો છે જે જૂનાગઢના જળ પ્રલય સાથે પણ સરખાવવામાં આવે છે. 1982 ની હોનારત બાદ આ પ્રકારે જૂનાગઢમાં જળ પ્રલય થયો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. ભરડાવા વિસ્તારમાંથી ગઈકાલે પૂરના પાણીમાં તણાયેલ મહિલાનો મૃતદેહ રાત્રિના મળી આવ્યો જુનાગઢ જળ હોનારતમાં મહિલાના મોત સાથે પ્રથમ બનાવ સામે આવ્યો.
ભાવનગરમાં જળબંબાકારઃ ભાવનગરમાં શનિવારે પણ વરસાદનું જોર યથાવત રહ્યું હતું. ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઘોઘાસર્કલ, કાળીયાબીડ, સુભાષનગર, ક્રેસન્ટ, મેઘાણીસર્કલ,ગંગાજળીયા તળાવ, હલુરીયાચોક, પાનવાડી ચોક, જશોનાથ ચોક,અલકા સિનેમા, વિજય ટોકીઝ રોડ થઈ રેલ્વે સ્ટેશન રોડ, દાણાપીઠ, પ્રભુદાસ તળાવ કુંભારવાડા વિસ્તારમાં નદી વહેતી હોય એવું ચિત્ર જોવા મળ્યું હતું. પાણી ભરાવવાને કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતી. રાત્રે ધીમીધારના વરસાદ બાદ સ્થિતિ વણસી હતી. કુંભારવાડા,માઢિયા રોડ અને ભરતનગર વિસ્તારમાં પાણી ભરાયા હતા. લોકોનો ઘરનો સામાન પાણીમાં તરતો થયો હતો.
સુરતઃ સુરત શહેરમાં ત્રણ દિવસના વિરામ બાદ સવારથી જ ધોધમાર વરસાદ છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી જ હતી તેજ પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોય તેવી સમસ્યાઓ પણ સામે આવી છે. અડાજણ, રાંદેર, જાગીરપુરા, પાલ, કતારગામ, અમરોલી, નાના વરાછા, મોટા વરાછા, ઉધના લીંબાયત, ડીંડોલી, ગોડાદરા, પાંડેસરા, અલથાણ,વેસુ પીપલોદ, અઠવા લાઇન્સ, ડુમસ, ઈચ્છાપુર, કવાસ એમ સમગ્ર શહેરમાં અંધકારપટ વચ્ચે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
નવસારીમાં દિવાલ પડીઃ નવસારીમાં મેઘરાજાએ પોતાનો કહેર વરસાવતા 13 ઇંચથી વધુ વરસાદ વરસવાને કારણે સંપૂર્ણ શહેરમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ દિવાલો ધરાશાયી થવાની સાથે વાહનોને નુકસાન તેમજ પિતાની નજર સામે પુત્ર પાણીમાં ડૂબ્યો તો કેટલીક જગ્યાએ વાહનો પાણીમાં તણાયા હતા.