- આજે મંગળવારે પણ સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી
- વેલમાર્ક લો પ્રેશર યથાવત
- આવતીકાલે પણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ રહેશે
- પવનની ગતિ 40થી 60 km પ્રતિ કલાક રહી શકે છે
અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં 3 દિવસથી ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી છે. આ સિવાય દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પણ માછીમારોને દરિયો ન ખેડવા અંગેની સૂચના આપવામાં આવી છે.
વેલમાર્ક લો-પ્રેશર અને અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતાં રાજ્યનાં તમામ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલું જ નહીં દેશમાં પણ અલગ-અલગ 5 સાઈક્લૉનિક સર્ક્યુલેશન બનેલા છે. સૌરાષ્ટ્રનાં જિલ્લાઓમાં ભારે વરસાદને લઇ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે નદીઓમાં પણ પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. જેથી લોકોને આસપાસનાં વિસ્તારમાં ન જવા માટેની અપીલ કરાઈ છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને અમદાવાદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. બીજી બાજુ ઉત્તર ગુજરાતમાં પણ આજે સારો એવો વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગનાં મતે અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં આગામી 3 દિવસ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને કચ્છનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બુધવારે પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગનાં જણાવ્યાં અનુસાર, 8 જુલાઇ એટલે કે આવતીકાલે ઉત્તર અને દક્ષિણ ગુજરાતનાં દરિયા કિનારે 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. જેને પગલે માછીમારોને આગામી 9 જુલાઇ સુધી દરિયો નહીં ખેડવાની સૂચના અપાઇ છે. રાજ્યમાં ચારે બાજુ ભારે વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. આજ મંગળવારે સવાર સુધીમાં રાજ્યનાં 75 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ 127 મિમી દેવભૂમિ દ્વારકાનાં ખંભાળિયામાં નોંધાયો છે.