અમદાવાદ : આજકાલ યુવતીઓ તેમજ મહિલાઓને ક્રાઈમને લગતી ઘટનાઓ સતત બનતી રહેતી હોય છે. આ સાથે જ અનેક યુવતીઓ ગુમ થવાના સમાચાર પણ સામે આવતા રહેતા હોય છે. ત્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી ખોટા લગ્નના ષડયંત્રના નામે સગીરાઓને ગુમ કરીને મોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે એવા આક્ષેપ સાથેની હેબિયસ કોર્પસ ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર ગુજરાત હાઇકોર્ટમાં એક સગીરાના પિતા દ્વારા સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર અને અમરેલી ત્રણેય જિલ્લાઓમાં સગીર વયની દીકરીઓને ખોટા દસ્તાવેજોના આધારે લગ્ન કરાવવાનું ષડયંત્ર થઈ રહ્યું છે તેવો આક્ષેપ થયો છે. એવા સમગ્ર કૌભાંડના વિગતો સાથેની હેબિયસ કોર્પસ પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
દીકરીઓ ગુમ થવાની અનેક ફરિયાદો આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટમાં જે હેબિયસ કોર્પસની અરજી દાખલ થઈ છે તેમાં અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે છેલ્લા ઘણા સમયથી અમરેલી, ભાવનગર અને બોટાદમાંથી દીકરીઓ ગુમ થવાની અનેક ફરિયાદો દાખલ થઈ છે. નાની અને સગીર વયની દીકરીઓને લગ્નની લાલચ આપીને ખોટા દસ્તાવેજો બનાવીને લગ્ન કરાવવામાં આવે છે. આ પ્રકારે એક ષડયંત્ર ચાલી રહ્યું છે તેવી અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
રો-રો ફેરી મારફતે સુરત મોકલવામાં આવી રહી છે અરજદારે એ પણ જણાવ્યું હતું કે, ગુમ થયેલી દીકરીઓને રો-રો ફેરી મારફતે સુરત મોકલવામાં આવી રહી છે. જે પણ દીકરીઓ ગુમ થઈ રહી છે તેમની પાછળ મોટા કૌભાંડની આશંકા છે. સૌરાષ્ટ્રમાંથી દીકરીઓ દિવસેને દિવસે ગુમ થઈ રહી છે તેમજ દીકરીઓને ગુમ કરતા લોકો સામે પગલાં લેવા હાઇકોર્ટમાં માંગ કરાઇ છે. ચીફ ઓફિસર તલાટી અન્ય અધિકારીઓની સાઠગાંઠમાં આ કૌભાંડ ચાલતું હોવાને પણ આક્ષેપ છે. દીકરીના પિતાએ જે હેબિયસ કોપર્સ અરજી કરી હતી તેમાં આ પ્રકારનો ખુલાસો થયો હતો.
આ પણ વાંચો Nityananda Ashram controversy: બંને યુવતીઓને હાઈકોર્ટ સમક્ષ હાજર રહેવાનો ઇન્કાર કરી દીધો
શું છે સમગ્ર મામલો આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો જે પિતા દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની અરજી કરવામાં આવી છે તેમની સગીરવયની દીકરીને એક શખ્સ દ્વારા લગ્નની લાલચ આપીને ભગાવી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે તપાસ કરી હોવા છતાં પણ ક્યાંય પણ દીકરીની ભાળ ન મળતા તેમણે ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પસની પિટિશન ફાઇલ કરવામાં આવી છે. આ પિટિશનમાં તેમણે ખોટા દસ્તાવેજોના આધારે એક મોટું કૌભાંડ કે ષડયંત્ર થઈ રહ્યું હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે.
28 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા પણ કોર્ટે આદેશ કર્યો આ સમગ્ર મામલે ગુજરાત હાઇકોર્ટે સુનાવણી સાંભળ્યા બાદ તળાજાના પીએસઆઇ સલગ્ન ચીફ ઓફિસર અને પોલીસ વિભાગને નોટિસ ફટકારી છે. આ સાથે જ 28 ફેબ્રુઆરી સુધીમાં જવાબ રજૂ કરવા પણ કોર્ટે આદેશ કર્યો છે.