અમદાવાદઃ આજે ગુરુ પૂર્ણિમા છે, ત્યારે જેણે ગુરુ ન કર્યા હોય તેઓ (Guru Purnima 2022)શ્રી કૃષ્ણને સદગુરુ તરીકે પૂજે છે. ચાર વેદમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણં વંદે જગદગુરુમ... જગતના ગુરુ અને ગુરુઓના ગુરુ શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણએ આ પૃથ્વીને ગીતાનું અદભૂત જ્ઞાન આપ્યું છે. 18 અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને માનવીને જીવન કેવી રીતે જીવવું જોઈએ તેનું જ્ઞાન પીરસ્યું છે. અને જીવનો સત્ય રાહ બતાવ્યો છે. કોઈપણ મુંઝવણ હોય તેનો ઉકેલ દર્શાવ્યો છે અને કૃષ્ણએ રજૂ કરેલી ગીતાએ તમામ ધર્મો માટે રાહ સુચક રહી છે. શ્રી કૃષ્ણ જેમના પક્ષમાં રહ્યા તેમની જીત થઈ છે. માટે શ્રી કૃષ્ણની ભક્તિ અને ભગવત ગીતાના પઠનથી જીવતે જીવ સ્વર્ગની પ્રાપ્તિ થાય તેવી અનુભુતિ થાય છે. શ્રી કૃષ્ણને આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે કોટી કોટી વંદન.
![કૃષ્ણ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15806681_ahd04_aspera.jpg)
ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર,
ગુરુ સાક્ષાત્ પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરવે નમઃ
મોરારીબાપુ - મોરારીબાપુએ રામાયણના સુપ્રસિદ્ધ કથાકાર છે. તેઓએ 899 રામકથા કરી છે. બાપુનો જન્મ 1947માં શિવરાત્રિના દિવસે ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુવા નજીક તલગાજરડા ગામે થયો હતો. આજે તેઓ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ વૈષ્ણવ બાવા સાધુ નિમ્બાર્ક વંશના છે. તેમણે બાળપણમાં મોટાભાગનો સમય તેમના દાદા અને ગુરુ ત્રિભોવનદાસ દાદા અને દાદી અમૃતમાની દેખરેખ હેઠળ વિતાવ્યો હતો. તેમના દાદી પ્રેમથી કલાકો સુધી લોકકથાઓ સંભળાવતા હતા દાદા તેમની સાથે રામ ચરિત માનસ અંગેનું જ્ઞાન આપતાં હતા. બાર વર્ષની ઉંમરે બાપુએ આખુ રામચરિત માનસ કંઠસ્થ કરી લીધું હતું. અને ચૌદ વર્ષની ઉંમરે રામકથાનું પઠન શરૂ કર્યું હતું. આજે તેઓ 75 વર્ષના થયા છે, ત્યારે તેઓ છેલ્લા 61 વર્ષથી રામકથાનું પઠન કરી રહ્યા છે. દેશમાં તો ખરી પણ વિદેશમાં કોઈએવો દેશ બાકી નહી હોય કે તેમણે રામકથા નહી કરી હોય. રામકથાને બિલકુલ સરળ કરીને શ્રદ્ધાળુઓને સમજાવે છે. મોરારીબાપુના ફોલોવર્સ દેશ ને દુનિયામાં અબજોની સંખ્યામાં છે. એવા રામકથાકાર મોરારીબાપુને વંદન.
![મોરારીબાપુ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15806681_ahd01_aspera.jpg)
આ પણ વાંચોઃ ગુરુપદનો મહિમા શોભાવતાં ગુરુરત્નોને શબ્દાંજલિ
મહંત સ્વામી - મુખ સ્વામીએ સમયસર તેમના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નીમી દીધેલા. 13-9-1933ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુ પટેલ હતું. નવાઈની વાત છે કે પ્રમુખ સ્વામીએ સાળંગપુરમાં બચપણ વિતાવેલું ત્યારે નવા મહંત સ્વામી મધ્ય પ્રદેશના ગામ જબલપુરમાં ઉછરેલા. 1961ની સાલમાં આજથી 55 વર્ષ પહેલાં મહંત સ્વામીને યોગીજી મહારાજે દીક્ષા આપેલી. પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં સેવા કરતા રહ્યા. તેમની સેવાથી પ્રભાવિત થઈ 2012માં પ્રમુખ સ્વામીએ તેમને પોતાના પદના ઉત્તરાધિકારી નીમ્યા.
![મહંત સ્વામી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15806681_ahd05_aspera.jpg)
રમેશભાઈ ઓઝા - રમેશભાઈ ઓઝા ભાગવત કથાકાર છે. તેમનો જન્મ 31 ઓગસ્ટ, 1957ના રોડ અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દેવકા ગામે પિતા વ્રજલાલ અને માતા લક્ષ્મીબહેનને ત્યાં થયો હતો. તેઓ ઔદિચ્ય બ્રાહ્મણ છે. તેમણે અંગ્રેજી માધ્યમમાં આર્ટ્સ શાખામાં સ્નાતક સુધીનો અભ્યાસ કર્યો છે. રમેશભાઈ ઓઝાએ કોલેજનું શિક્ષણ મુંબઈમાં લીધુ હતું. તેમણે 18 વર્ષની ઉંમરે સેન્ટ્રલ મુંબઈમાં કથા કરી હતી. તેઓ ભાગવત કથામાં અંગ્રેજી સંવાદોની સાથે તત્વજ્ઞાનનો લ્હાવો મળે છે. તેમના સંસ્કૃત શ્લોકોમાં શુદ્ધ અને સ્પષ્ટ ઉચ્ચારો સાંભળવા મળે છે. તેમણે પોરબંદરમાં સાંદિપની વિદ્યા નિકેતન નામે સંસ્થા સ્થાપી છે. 1987માં 30 વર્ષની ઉંમરે ભાગવત કથા કરવાનું લંડનથી આમંત્રણ મળ્યું હતું. રમેશભાઈ ઓઝાની કથામાં આધ્યાત્મિક શાંતીનો અનુભવ થાય છે. આથી તેમના ફોલોવર્સ દેશ અને દુનિયામાં છે. એવા ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝાને વંદન.
![રમેશભાઈ ઓઝા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15806681_ahd02_aspera.jpg)
આ પણ વાંચોઃ આજે ગુરુ પૂનમ, આવી રીતે કરો ગુરુનું પૂજન
સ્વામી સચ્ચિદાનંદ - 21 વર્ષની વયે વૈરાગ્યની તીવ્ર ધૂનમાં ગૃહત્યાગ કરીને, પગે ચાલી ભારતભ્રમણ કર્યા પછી ઈ. સ. 1956માં પંજાબના ફિરોજપુર શહેરમાં સ્વામી મુક્તાનંદજી પાસે તેમણે સંન્યાસની દીક્ષા લીધી. બનારસમાં અભ્યાસ કરી ‘વેદાન્તાચાર્ય’(યુનિવર્સિટી પરીક્ષામાં પ્રથમ, સુવર્ણચંદ્રક)ની પદવી પ્રાપ્ત કરી (1966). ઈ. સ. 1969માં પેટલાદ પાસે દંતાલી ગામમાં ભક્તિનિકેતન આશ્રમની સ્થાપના કરી અને ઈ. સ. 1976માં એનું ટ્રસ્ટ કર્યું. ઊંઝા અને કોબા(ગાંધીનગર)માં પણ આ ટ્રસ્ટ સંચાલિત આશ્રમો છે. એમાં માનવસેવાની અને વિદ્યોત્તેજક પ્રવૃત્તિઓ થાય છે. ગુજરાતની સેવાભાવી લોકહિતની વિવિધ સામાજિક, સાંસ્કારિક તથા વિદ્યાકીય સંસ્થાઓને એમના ટ્રસ્ટ તરફથી દર વરસે લાખો રૂપિયાની ઉદાર આર્થિક સહાય અપાય છે. પ્રવચનો અને પુસ્તકો લખીને ગુજરાતના વિચારજગતને ઢંઢોળવાનો અને સમુચિત માર્ગદર્શન આપવાનો એમનો સક્રિય પુરુષાર્થ રહ્યો છે. એમણે અત્યાર સુધીમાં પચાસેક પુસ્તકો લખ્યાં છે. એમાંનાં કેટલાંકને ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પારિતોષિકો પ્રાપ્ત થયાં છે. ક્રાન્તિકારી વિચારો અને આધ્યાત્મની વિશિષ્ટ સમજ આપી સમાજમાં સુધારો લાવવા માટે પ્રયત્નો કરી રહેલા સ્વામી સચ્ચિદાનંદે ધર્મ, સમાજ અને જીવનને સ્પર્શતાં 90થી વધુ પુસ્તકો લખ્યાં છે. દેશ-વિદેશમાં મળીને તેમણે અઢીહજાર પ્રવચનો કર્યા છે. પેટલાદ નજીક દંતાલીના પોતે સ્થાપેલા આશ્રમ ભક્તિ નિકેતનમાં રહી સમાજોપયોગી પ્રવૃત્તિઓ કરનારા આ કર્મયોગી સંત માનવધર્મમાં માને છે. અમદાવાદ નજીક કોબામાં અને ઉંઝામાં પાટણ રોડ પર એમ ગુજરાતમાં તેમના ટોટલ ત્રણ આશ્રમ છે.
![સ્વામી સચ્ચિદાનંદ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15806681_ahd03_aspera.jpg)