અમદાવાદ ભાજપ કાર્યાલય ખાતે આજે 'ભાઈ-ભાઈ' ફેમ સિંગર અરવિંદ વેગડા અને ઐશ્વર્યા મજમુદારે બુધવારે ભાજપની સદસ્યતા લીધી છે. ભાજપમાં જોડાતા જ તેમનું ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ બંને કલાકારોને ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
ગત રોજ જાણીતા ગાયક કલાકાર કિંજલ દવે ભાજપમાં જોડાયા હતા. જેઓ આજે પણ બંને કલાકારોના પ્રવેશ વખતે હાજર રહ્યાં હતા. કિંજલ દવેએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, મારા દાદાઓ પણ ભાજપમાં હતા. ભાજપમાંથી ચૂંટણી લડ્યા છે અને જીત્યા છે. એટલે હું તો પહેલાથી જ ભાજપ સાથે જોડાયેલી છું. ભાજપની વિચારધારા અને કાર્યશૈલીથી પ્રભાવિત છું. આવા સમયે મને પક્ષના સદસ્ય બનવાની તક મળી છે. ત્યારે હું પાર્ટી માટે સારા કામો કરીશ. મારૂ કામ ગાયકીનું છે, જે યથાવત્ રહેશે. હું હાલ તો ફક્ત સદસ્ય બની છું, ચૂંટણી લડવા અંગે કોઈ વિચાર કર્યો નથી.
ઉલ્લેખનીય છે કે, પંડિત દીન દયાળ ઉપાધ્યાય કે જેઓ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક હતા, તેમની જન્મજયંતિ નિમિત્તે દિલ્હી ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને ભાજપના સદસ્ય બનાવવાનું અભિયાન શરૂ કરાયું છે. જેનો પ્રભાર મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણને સોંપવામાં આવ્યો છે. આ અંતર્ગત દેશભરમાં મોટા સેલેબ્રિટીઓથી માંડી સામાન્ય લોકો ભાજપની સદસ્યતા લઈ રહ્યાં છે. તેમજ આ માટે ઠેર-ઠેર જાહેર કાર્યક્રમો કરી તો ક્યાંક મોબાઈલ નંબર થકી સદસ્યતા આપવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ભારતીય જનતા પક્ષ પણ સક્રિય રીતે કાર્યરત થયો છે અને તેના અંતર્ગત જ મોટા પ્રમાણમાં ગુજરાતી સેલેબ્રિટીઓ ભાજપની સદસ્યતા લઈ રહ્યાં છે.
ગુજરાત ભાજપ દ્વારા જાણીતા સેલેબ્રિટીઓને ભારતીય જનતા પાર્ટીની સદસ્યતા અપાવી તેમના ચાહક વર્ગનું વલણ ભાજપ તરફી કરવાનો પ્રયત્ન હોવાનું મનાઈ રહ્યું છે. આ માટે મોટા નેતાઓએ કવાયત હાથ ધરી છે. બીજી તરફ ગુજરાત કોંગ્રેસની નિષ્ક્રિયતા અને નિષ્ફળતાને પગલે ભાજપ વધુને વધુ મજબૂત થતી જણાઈ રહી છે.
ગુજરાતી સેલેબ્રીટીઓ નામ કે જેમણે કેસરિયો ધારણ કર્યો
- કિંજલ દવે
- અરવિંદ વેગડા
- ઐશ્વર્યા મજમુદાર
- સૌરભ રાજગુરૂ
- પૂજા પ્રજાપતિ
- કૃણાલ ભટ્ટ
- સોફિયા કચેરિયા
- પ્રતિક ત્રિવેદી
- સૌમ્યા પંડ્યા
- પાર્થ ઠક્કર
- પિંકી દોશી
- પિંકી સાધુ