અમદાવાદ : નવરાત્રી શરૂ થવાને આડે ગણતરીના દિવસો બાકી છે. ઉપરાંત ક્રિકેટ વર્લ્ડ કપ પણ ચાલી રહ્યો છે. જેમાં ક્રિકેટ રસિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવી ભારત અને પાકિસ્તાનની મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે યોજવા જઈ રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવતા નવરાત્રીમાં ખેલૈયાઓ માટે રંગમાં ભંગ પાડે તેવા સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે નવરાત્રી દરમિયાન કમોસમી વરસાદનું વિઘ્ન ઊભું થવાની આગાહી કરતા ખેલૈયાઓના નિરાશા જોવા મળી રહી છે.
હવામાન વિભાગની આગાહી : બીજી તરફ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થવાનો છે. ત્યારે આ મેચ દરમિયાન પણ વરસાદ થવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ચોમાસાની વિધિવત વિદાય બાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ફરી એકવાર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે, તેવું જણાવતા હવામાન વિભાગે કહ્યું છે કે, આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના જોવા મળી રહી છે.
નવરાત્રીના રંગમાં ભંગ : જોકે હવે નવરાત્રીના દિવસો પણ નજીક આવી રહ્યા છે અને ભારત પાકિસ્તાનની ટીમ વચ્ચે મુકાબલો પણ થવાનો છે. ત્યારે ગુજરાતમાં યોજાનારા આ બેવડા મહોત્સવમાં વરસાદને કારણે ક્રિકેટપ્રેમીઓ અને ખેલૈયાઓમાં હતાશા ઊભી કરે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તારીખ 14,15 અને 16 ઓક્ટોબરે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
ભારત-પાક મેચ પર પાણી ફરશે ? આ સાથે 14 અને 15 ઓક્ટોબરે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. આ સમય દરમિયાન ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ રહી શકે છે. જ્યારે દક્ષિણ અમદાવાદમાં વરસાદ રહેશે, ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા ઓછી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી સમયમાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જોકે હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી બાદ ક્રિકેટ ચાહકો અને ખેલૈયાઓમાં હતાશાનું મોજું ફરી વળ્યું છે.