અમદાવાદ : ગુજરાતના કચ્છ જિલ્લામાં ભુજમાં આજે સૌથી વધુ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. ફેબ્રુઆરી મહિનામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તે 71 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. તેની સાથે ગુજરાતના અન્ય શહેરોમાં પણ મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે. બપોરે પંખા અને એસી ચાલુ કરવા પડી રહ્યા છે અને રાત્રે ઓઢીને સુવુ પડે તેવું વાતાવરણ જોવાયું છે.
ભુજમાં સૌથી ઊંચું તાપમાન નોંધાયું હવામાન વિભાગની સત્તાવાર યાદી મુજબ ભુજમાં 16 ફેબ્રુઆરીના રોજ મહિનાનું આ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. ભુજ માટે 1952થી તાપમાનના રેકોર્ડ જાળવવામાં આવે છે. IMD અમદાવાદ હવામાન કેન્દ્રના વૈજ્ઞાનિક વિજીન લાલે જણાવ્યું હતું કે ફેબ્રુઆરીનું અગાઉનું સૌથી વધુ તાપમાન 39 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 19 ફેબ્રુઆરી, 2017ના રોજ નોંધાયું હતું.
આ પણ વાંચો Ahmedabad Health : અમદાવાદમાં બેવડી ઋતુના અનુભવ વચ્ચે વધ્યો આ રોગચાળો
ગરમીનું પ્રમાણ વધ્યું : ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસામાં 39 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. અમદાવાદમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેની સાથે અમરેલી, કંડલા, મહુવા, કેશોદમાં 38 ડિગ્રી તાપમાન રહ્યું હતું. વડોદરા અને સુરતમાં 37 ડિગ્રી ગરમી રહી હતી. પોરબંદર અને ગાંધીનગરમાં 37 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
ડબલ સીઝન : જો કે ગુજરાતના અનેક શહેરોમાં રાત્રે ઠંડી અને દિવસે ગરમીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે કે મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન વચ્ચેનું પ્રમાણ વધારે છે. ભુજમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન અને 17 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. તેમજ અમદાવાદમાં 38 અને 14 ડિગ્રી તાપમાન રહ્યું હતું. કચ્છના નલીયામાં 36 ડિગ્રી મેક્સિમ તાપમાન હતું અને 11 ડિગ્રી મિનિમમ તાપમાન હતું.
હવામાન વિભાગની આગાહી : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી બે દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 38-40 ડિગ્રી સેલ્સિયસની રેન્જમાં રહેવાની સંભાવના છે. ફેબ્રુઆરીએ શિયાળાથી ઉનાળામાં સંક્રમણની મોસમ છે, દિવસો લઘુત્તમ અને મહત્તમ તાપમાન રેકોર્ડ કરે છે. આ વખતે આપણી પાસે ચોખ્ખું આકાશ અને ઉત્તર-પૂર્વીય પવન છે, અને દરિયાકાંઠાના વિસ્તારમાં દરિયાઈ પવનો વિલંબિત થઈ રહ્યા છે. આગામી દિવસોમાં હીટવેવની કોઈ ચેતવણી નથી. પરંતુ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેશે. અમદાવાદમાં શનિવાર સવાર સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાન 16 અને 39 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના સાથે સ્વચ્છ આકાશ રહેશે.