અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજા વિરામ પર છે. ગરમીના પ્રમાણમાં પણ થોડો વધારો થયો છે. ત્યારે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગામી પાંચ દિવસ એટલે કે 14 થી 18 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી કરી છે. હાલ છૂટાછવાયા સામાન્ય ઝાપટાં સિવાય ચોમાસુ ક્યાંય સક્રિય નથી. પરંતુ અરબી સમુદ્રમાંથી ભેજ આવવાના કારણે 5 દિવસ ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયો વરસાદ રહેશે.
સામાન્ય વરસાદની સંભાવના: હવામાન વિભાગે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. રાજસ્થાન તરફ એક વરસાદી સિસ્ટમ સક્રિય છે. જેથી આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના જોવા મળી રહી છે. ગુજરાત પર હાલ એક વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હળવાથી સમાન્ય વરસાદનું અનુમાન છે. ગુજરાતમાં 20 ઓગસ્ટથી સપ્ટેમ્બરની શરૂઆત સુધી સારો વરસાદ પડી શકે છે.
ક્યાં પડી શકે છે વરસાદ: હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદ,ગાંધીનગર, મહેસાણા, આણંદમાં છૂટાછવાયા વરસાદની અને મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠામાં પણ વરસાદ શક્યતા વ્યક્ત કરાઈ છે. અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, પોરબંદર, જામનગર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.
દરિયો ન ખેડવા સૂચના: આગામી 5 દિવસ સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે. દરિયાકાંઠના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિમી રહેશે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. 15 ઓગસ્ટથી દેશના હવામાનમાં પલટો આવશે.