અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓ જળબંબાકાર થયા છે. હવામાન ખાતાની આગાહી અનુસાર હજું પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરરસાદ પડી શકે છે. નવી એક સિસ્ટમ તૈયાર થઈ હોવાને કારણે આ વરસાદ થઈ રહ્યો હોવાનું મનાય છે. મેઘરાજાએ થોડા સમય માટે અલ્પવિરામ લીધા બાદ સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં ફરી વરસાદી માહોલ બંધાઈ રહ્યો છે. બુધવાર તારીખ 19થી આ નવો રાઉન્ડ શરૂ થાય એવી આગાહી કરાઈ છે.

લૉ પ્રેશર ઊભું થયુંઃ બંગાળની ખાડીનું જે લૉ પ્રેશર ઊભું થયું છે. એની અસર ગુજરાત સહિતના રાજ્યમાં થઈ રહી હોવાનું માનવામાં આવે છે. આ લૉ પ્રેશર ઉત્તર-પશ્ચિમ દિશા બાજું આગળ વધી રહ્યું છે. જેના રૂટમાં ગુજરાત આવી રરહ્યું છે. જેથી ગુજરાત રાજ્યના કાંઠાળા વિસ્તાર તથા અંદરના વિસ્તાર એમ બન્નેમાં એની અસર જોવા મળી રહી છે. છૂટાછવાયા વરસાદનો રાઉન્ડ પૂરો થયા બાદ ચોમાસું વિધિવત રીતે વિદાય લેશે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદઃ તારીખ 22 સુધી સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જેની શરૂઆત છૂટાછવાયા વરસાદથી થઈ શકે છે. રાજકોટ, જામનગર, ભાવનગર, ગોંડલ, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, વેરાવળ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુધીના વિસ્તારમાં ડબલ ઋતુનો અહેસાસ થયો હતો. આકરો તાપ ન હતો પણ વહેલી સવારે ટાઢક અનુભવાઈ હતી. ભેજના પ્રમાણમાં વધારો થયો હતો. જ્યારે તારીખ 21 જુલાઈના અને 22 જુલાઈ રોજ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે.

52 ટકા વરસાદઃ સમગ્ર રાજ્યમાં પડેલા કુલ વરસાદની વાત કરવામાં આવે તો આ સીઝનમાં કુલ 52 ટકા વરસાદ થઈ ગયો છે. નાના મોટા કુલ 12 જિલ્લાઓમાં ટકાવારી અનુસાર 60 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેના કારણે જિલ્લાઓની નદી-ડેમ તથા તળાવમાં નવા નીર આવી ચૂક્યા છે. આ વખતે કચ્છના સીમાડા વિસ્તારમાં પણ સારો વરસાદ થયો હોવાના અહેવાલ છે. એકલા કચ્છ જિલ્લામાં જ 50 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જ્યારે સૌથી ઓછો વરસાદ પાટનગર ગાંધીનગર અને ડાંગમાં પડ્યો છે.

જળાશયોમાં પાણીઃ જોકે, થોડા વરસાદમાં પણ ડાંગની પ્રકૃતિ ખીલી ઊઠી છે. પહાડી વિસ્તાર અને ઘાટ પરથી ધોધ વહી રહ્યો છે. રાજ્યના જળાશયોમાં 52 ટકા નવા નીરનો સંગ્રહ થયો છે. જ્યારે 32 જળાશય એવા છે જે સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. સરદાર સરોવરમાં 64 ટકા જળસંગ્રહ થયો છે. જોકે, જે તે જિલ્લાઓના પીવાનું પાણી પુરૂ પાડતા ડેમમાં નવા નીરની આવક થઈ છે. જેથી આગામી પાંચ મહિના સુધી પીવાના પાણીનો પ્રશ્નો ઉકેલાયો છે. વરસાદનો આ છેલ્લો રાઉન્ડ હોવાનું મનાય રહ્યું છે.