અમદાવાદઃ ગુજરાતમાં ઘેરાયેલા વાદળોને લીધે હાલ વરસાદની સંભાવનાઓ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં સારા વરસાદની હાલ રાહ જોવી પડશે. અત્યારે વરસાદની કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાને કારણે વરસાદની કોઈ સંભાવના નથી. જોકે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ જોવા મળી શકે છે.કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદની રાહ જોવાઈ રહી છે.
જોકે હાલ તો આવનારા પાંચ દિવસો સુધી હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ છુટોછવાયો અને હળવો વરસાદ થઈ શકે છે....મનોરમા મોહંતી(ડાયરેક્ટર, હવામાન વિભાગ)
રેઈન સિસ્ટમ યુપી ફંટાઈ ગઈઃ જોકે હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદની સિસ્ટમને કારણે મધ્ય ભારતથી લઈને ગુજરાત સુધી ફરી ચોમાસું સક્રિય થશે અને વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે તેવું અનુમાન હવામાન વિભાગે કર્યુ હતું, પરંતુ આ સિસ્ટમ સક્રિય ન બની અને મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા બાદ સિસ્ટમ નબળી પડી.હવે ઉત્તરપ્રદેશ તરફ ફંટાઈ રહી છે. જેને લઇને ગુજરાતમાં વરસાદની આશા પર પાણી ફરી વળ્યુ છે.ગુજરાતમાં ધમાકેદાર વરસાદથી ચોમેર મેઘમહેર થઈ ગઈ છે અને હવે ચોમાસુ પુરૂ થવામાં ફક્ત દોઢ માસ જેટલો સમય બાકી રહી ગયો છે.આ અગાઉ ચોમાસાને લગભગ અઢી મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે.અને છેલ્લા કેટલાક દિવસથી વરસાદ ખેંચાયો છે.
છુટોછવાયો વરસાદ પણ બંધ થશેઃ હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદ ન થવાને કારણે મોટા ભાગના વિસ્તારો ફરીથી સૂકા બની જશે અને હાલ જે તે વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે તે પણ બંધ થઈ જવાની શક્યતા છે.ઓગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં સારા વરસાદની કોઈ શક્યતા જોવા નથી મળી રહી.