અમદાવાદ : સરકાર દ્વારા યુવાનોની સ્કીલ ડેવલપ કરવા માટે અનેક સંસ્થાઓને આગળ કરવામાં આવી રહી છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રની પણ શરૂઆત કરવામાં આવે છે. પરંતુ તાજેતરમાં જ સ્કીલ ઇન્ડિયા 2023 માં જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં ગુજરાત માટે સૌથી ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં વધુ રોજગાર ક્ષમતા ધરાવતા રાજ્યો તેમજ ઉચ્ચ રોજગારલક્ષી પ્રતિભા ધરાવતા શહેરોમાં ગુજરાતના એક પણ શહેરનો કે ગુજરાત રાજ્યનો સમાવેશ થતો નથી.
વિપક્ષનો સરકાર પર પ્રહાર : આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, સ્કિલ ઇન્ડિયા 2023માં જાહેર કરાયેલા અહેવાલ મુજબ યુવાનોને રોજગાર ક્ષમતામાં દેશના ટોપ પાંચ રાજ્યમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. સ્કીલ રિપોર્ટ 2023માં વિદ્યાર્થીઓને રસ રુચિની નોકરી આપવાની જરૂરિયાત, કોમ્યુનિકેશન સ્કીલ સહિતની બાબતોનો સમાવેશ થતો હોય છે. રાજ્યમાં યુવાનોને રોજગારમાં વિતરણ ઓછું મળી રહ્યું છે. રૂપિયા 2 લાખ કરતા પણ વધુ પગાર આપી શકે તેવી વ્યવસ્થા ધરાવતા પાંચ રાજ્યોમાં ગુજરાતનો સમાવેશ થતો નથી. જે ખરેખર ચિંતાનો વિષય છે.
મોંઘુ શિક્ષણ મેળવ્યા બાદ પણ ગુજરાતના યુવાનો રોજગારીની તકોથી વંચિત જોવા મળી રહ્યા છે. બેન્કિંગ ફાઇનાન્સ સર્વિસ, ઇન્સ્યોરન્સ, BOP, KPKPO જેવી ઇન્સ્યોરન્સ કંપની ઉપરાંત ગેસ પાવર, સ્ટીલ, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ ક્ષેત્રમાં ગુજરાતના યુવાનોને સારા રોજગાર માટે અન્ય રાજ્યોમાં જવાની ફરજ પડી રહી છે.-- મનીષ દોશી (કોંગ્રેસ પ્રવક્તા)
કોંગ્રેસ પ્રવક્તાનો આક્ષેપ : તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની મોટા ઉદ્યોગોની મદદ કરવાની નીતિને કારણે રાજ્યના ઓળખ સમાન નાના ઉદ્યોગોને તાળાં લાગી રહ્યા છે. જીઆઇડીસીમાં 50 ટકા ઉદ્યોગો અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યા છે. નાના મધ્યમ કદના ઉદ્યોગો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. છેલ્લા દસ વર્ષના સ્કિલ રિપોર્ટથી એ વાત સ્પષ્ટ થાય છે કે, આટલી ગંભીરતા હોવા છતાં ગુજરાતના યુવાનો માટે રાજ્ય સરકાર ગંભીરતા દાખવી રહી નથી. જેના કારણે રાજ્યની અંદર શિક્ષણ ખૂબ જ મોંઘુ થઈ રહ્યું છે.
ટોપ પાંચ રાજ્ય : વધુ રોજગાર ક્ષમતા ધરાવતા પાંચ રાજ્યની વાત કરવામાં આવે તો ઉત્તર પ્રદેશ, લખનઉ, મહારાષ્ટ્ર, પુણે, દિલ્હી, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે. જ્યારે ઉચ્ચારલક્ષી પ્રતિભા ધરાવતા શહેરોની વાત કરવામાં આવે તો મુંબઈ, લખનઉ, મેંગલોર, ન્યુ દિલ્હી અને પુણેનો સમાવેશ થઈ રહ્યો છે. પરંતુ સ્કિલ ડેવલપ માટે મોટા દાવા કરનાર ભારતીય જનતા પાર્ટીનો પરપોટો ફૂટી ગયો છે. સ્કિલ ડેવલપમેન્ટમાં ગુજરાત સતત પાછળ જોવા મળી રહ્યું છે.