અમદાવાદઃ અમરેલીના બે વ્યક્તિઓએ છેડતીના ગુનામાં યોગ્ય રીતે પુરાવાનું મૂલ્યાંકન ન થતા નિર્દોષ વ્યક્તિઓએ 13 વર્ષ જેલમાં કાઢવા પડ્યા હતા. આ કેસના સંદર્ભે હાઇકોર્ટે સરકાર પાસેથી જે લોકો વધુ વર્ષોથી જેલમાં બંધ હોય તેવા વ્યક્તિઓની પેન્ડિંગ અપીલો નો ડેટા રજૂ કરવા આદેશ કર્યો છે. ગુજરાત હાઇકોર્ટે સરકાર અને કાયદા વિભાગ પાસેથી જે લોકો વધુ વર્ષોથી જેલમાં બંધ હોય તેવા વ્યક્તિઓની પેન્ડિંગ અપીલોનો ડેટા રજૂ કરવા માટે હાઇકોર્ટે આદેશ કર્યો છે.
સુનાવણી કરાઈઃ જસ્ટિસ એ.એસ.સુપૈયાની કોર્ટ સમક્ષ એક કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સરકારને ટકોર કરી હતી કે, નિર્દોષ વ્યક્તિને 13 વર્ષ સુધી જેલમાં રહેવું પડે તે ખોટું છે. આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો અમરેલીના વર્ષ 2009 માં એટ્રોસિટી અને છેડતીના કિસ્સામાં બે વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. ગોવિંદભાઈ અને ગોપાલભાઈ સામે આ કેસ ચાલી રહ્યો હતો. જેમાં ટ્રાયલ કોર્ટે શંકાના આધારે આરોપીઓને સજા કરી હતી.
આ કેસમાં એક વ્યક્તિઓએ 13 વર્ષ અને 8 મહિના અને બીજા વ્યક્તિએ 12 વર્ષ જેલમાં કાઢ્યા હતા. આ લોકો સામે 10 વર્ષથી વધુ સમય સજા ભોગવી ચૂકેલા હોવા છતાં પણ ક્રિમિનલ અપીલ લાંબા સમયથી નહીં ચાલતા તેમને ખોટી રીતે જેલમાં સજા ભોગવવી પડી હતી.---હાર્દિક રાવલ (એડવોકેટ)
કોર્ટની ટકોરઃ આ સમગ્ર મામલે હાઇકોર્ટે ટકોર કરતાં કહ્યું હતું કે, ટ્રાયલ કોર્ટે જે પુરાવાને આધાર બનાવીને બે વ્યક્તિઓને સજા આપી હતી તે પુરાવા કાનૂની રીતે સાબિત થઈ શકે તેવા નથી. દરેક કોર્ટમાં કેસ પેન્ડિંગ રહે તે દરમિયાન કોર્ટ ગુનો સાબિત કરે તેવા પુરાવાનું મૂલ્યાંકન કરવામાં સમય લગાવે છે .જેના લીધે કેટલાક કિસ્સાઓમાં નિર્દોષ માણસોને જેલમાં રહેવું પડે તે બિલકુલ યોગ્ય નથી.
નિર્દોષનું શુંઃ આરોપીઓ સામે પુરાવાનું મૂલ્યાંકન કરીને સજા કરવાની હોય છે. શંકાને આધારે કોઈ પણ આરોપીને સજા કરી શકાય નહીં. આવી રીતે તો કંઈ કેટલાય વ્યક્તિઓ નિર્દોષ રીતે જેલની પાછળ પોતાની સજાઓ કાપી રહ્યા હશે. આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે બંને વ્યક્તિઓને નિર્દોષ રીતે જેલમુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ સાથે જ હાઈકોર્ટે સરકારને આવા કેસ માટે કમિટી બનાવવા માટે પણ આદેશ આપ્યો છે. તેમજ ગુજરાત હાઇકોર્ટમાં જે પણ ઘણા લાંબા સમયથી વર્ષોની ક્રિમિનલ આપેલો પડતર હોય તેનો પણ ડેટા મંગાવ્યો છે.