અમદાવાદઃ હાઈકોર્ટની ડિવિઝન બેંચે નોંધ્યું હતું કે, ગુજરાત ટેસ્ટિંગમાં અન્ય રાજ્યો કરતા ઘણું પાછળ છે. જેથી વધુ ટેસ્ટિંગ કરવા રાજ્ય સરકારને ટકોર કરી છે, વળી ટેસ્ટિગના આંકડા પણ દરરોજ જારી કરવામાં આવે તો લોકોની જાગરૂકતા વધશે. નોંધનીય છે કે સરકાર તરફથી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી નોટમાં વધુ ટેસ્ટિંગનો સરકાર તરફે વિરોધ કરવામાં આવ્યો હતો. રાજ્યના 11 જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ લેબ નથી તો ત્યાં શા માટે લેબ શરૂ ન થવી જોઈએ એ મુદ્દે રાજ્ય સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે.
હાઈકોર્ટે સુરતમાં કોરોનાની વર્તમાન સ્થિતિ મુદ્દે કરાજ્ય સરકારનો ઉધડો લેતા કહ્યું કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ વણસી ત્યારે અન્ય સ્થળો પર આવું ન થાય તેની તકેદારી રાખવાની જરૂર હતી. રાજ્યમાં દરરોજ 7થી 8 હજાર જેટલા કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં વધુ ટેસ્ટિંગ થાય તેના માટે રાજ્યના 19 જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ માટે લેબ ઉભી કરવાની માંગ સાથે અમદાવાદ મેડિકલ એસસોશિયેશન દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી હતી.
હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી કે, ગુજરાત ટેસ્ટિંગમાં ઘણું પાછળ છે, દિલ્હીમાં સરેરાંશ 30 હજાર કોવિડ 19 ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે, જ્યારે તમિલનાડુમાં સૌથી વધુ 35 હજાર ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, જેથી ગુજરાતના ગ્રામીણ વિસ્તારો અને જિલ્લામાં વધુ લેબ ઉભી કરવામાં આવે તો વધુ એગ્રીસીવ ટેસ્ટિંગ થઈ શકે.
ગુજરાતની વસ્તી પ્રમાણે અત્યારની ટેસ્ટિંગ કરતા 5 ગણી વધુ ટેસ્ટિંગ કરવાની જરૂર છે, જેથી કરીને રોગનું વહેલું નિદાન થઈ શકે અને મહામારીનો અંત આવે. રાજ્યના 33 પૈકી 19 જિલ્લામાં કોરોના ટેસ્ટિંગ સુવિધા ઉપલબ્ધ નથી. રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ કબુલ્યું છે કે 19 કોરોના લેબ કાર્યરત છે જે પૈકી બે લેબ પણ હજી સુધી કાર્યરત ન હોવાનો PILમાં દાવો કરવામાં આવ્યો છે. 29મી જૂન સુધી 19 લેબ પૈકી 5 લેબોને સરકારે શરૂ થવાની પરવાનગી આપી નથી.