અમદાવાદઃ લોક સાહિત્યકાર દેવાયત ખવડની મુશ્કેલીમાં ફરી એક વાર વધારો થયો છે. દેવાયત ખવડે ગુજરાત હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે કરેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. તેમ જ આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી અરજી કરી શકે એવી હાઈકોર્ટે છૂટ આપી છે. મહત્વનું છે કે, દેવાયત ખવડ છેલ્લા 55 દિવસથી જેલમાં બંધ છે. તેથી હાઇકોર્ટે અરજી ફગાવી દેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે.
આ પણ વાંચોઃ દેવાયત ખવડ સહિત તમામ આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર
HCનું અવલોકનઃ આ સમગ્ર મામલે આજે (શુક્રવારે) સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટ દેવાયત ખવડની અરજી ફગાવી દેતા મહત્વનું અવલોકન કર્યું હતું કે, હજી આ કેસમાં ચાર્જશીટ ફાઈલ થઈ નથી. તેથી બંને પક્ષે ચાર્જશીટ ફાઈલ થયા બાદ આરોપી ફરીથી જામીન માટે અરજી કરી શકે છે.
દેવાયત ખવડે કર્યું હતું આત્મસમર્પણઃ લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને તેમના સાથીઓએ મળીને મયુરસિંહ રાણા નામના યુવક પર જીવલેણ હુમલો કર્યો હતો. આ જ ગુનામાં તેઓ છેલ્લા 55 દિવસથી જેલવાસ ભોગવી રહ્યા છે. આ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ અને તેમના સાથીદારો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાયાના 10 દિવસ ફરાર રહ્યા બાદ દેવાયત ખવડે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.
કોર્ટે આપ્યા હતા રિમાન્ડઃ ત્યારબાદ દેવાયત ખવડને કોર્ટમાં રજૂ કરવામાં આવતા તેમના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હતા. અને 19મી ડિસેમ્બરે દેવાયત સહિત ત્રણે આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા. ત્યારબાદ પોલીસે વધુ રિમાન્ડની માગણી ન કરતા ત્રણેય આરોપીઓને જેલભેગા કરાયા હતા.
દેવાયત ખવડે મયુરસિંહની ઓફિસ પાસે કરી હતી રેકીઃ મહત્વનું છે કે, મયુર સિંહ રાણા ઉપર હુમલા કર્યાના આ કેસમાં પોલીસ દ્વારા કાવતરાની કલમ ઉંમેરવા કોર્ટ સમક્ષ રિપોર્ટ પણ રજૂ કર્યો હતો. આ કેસની તપાસ દરમિયાન પોલીસને મયુરસિંહની ઓફિસ પાસે રેકી કર્યાના સીસીટીવી ફૂટેજ પણ મળી આવ્યા હતા.
આ પણ વાંચોઃ દેવાયત ખવડની ઉત્તરાયણ જેલમાં, જામીન અરજી કોર્ટે ફગાવી
રોણાને હજી રહેવું પડશે જેલમાંઃ મહત્વનું છે કે, દેવાયત ખવડે રાજકોટની સેશન્સ કોર્ટમાં પણ જામીન માટે અરજી કરી હતી. જોકે, તેને પણ કોર્ટે ફગાવી દેતા ખવડે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. હવે હાઇકોર્ટે પણ દેવાયત ખવડની જામીન નામંજૂર કરતા દેવાયત ખવડે હજી કેટલા દિવસો લોકોમાં વિતાવવા પડશે તે તો આગામી કાર્યવાહી બાદ જ ખબર પડશે.