અમદાવાદઃ મોરબી જિલ્લામાં ઑક્ટોબર મહિનામાં ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં 130થી વધુ લોકોના મોત થયા હતા. તેને ઘટનાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો દાખલ કરી હતી. મોરબી બ્રિજ દુર્ઘટનાને મામલે આજે (બુધવારે) ગુજરાત હાઇકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં ઓરેવા ગૃપના માલિક જયસુખ પટેલને પક્ષકાર તરીકે પિટિશનમાં જોડવામાં આવ્યા છે. આ સાથે જ બ્રિજના મામલે હાઇકોર્ટ સરકારને આકરા સવાલ પણ કર્યા હતા.
આ પણ વાંચો Gujarat Riots કાલોલ 2002 કોમી રમખાણ કેસનો આખરે આવ્યો નિવેડો, કોર્ટે 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
HCનો સરકારને પ્રશ્નઃ હાઈકોર્ટે ગુજરાત સરકારને પૂછ્યું હતું કે, મોરબીનો બ્રિજ તૂટ્યા બાદ સરકારે શું કાર્યવાહી કરી છે? સાથે જ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલા આ પ્રશ્નને લઈને એડવોકેટ જનરલ દ્વારા કોર્ટમાં ગુજરાત રાજ્યમાં જે પણ બ્રિજ આવેલા છે તેની માહિતી સવિસ્તાર રજૂ કરી હતી.
હાઈકોર્ટે કાઢી સરકારની ઝાટકણીઃ ગુજરાત સરકારની આ રજૂઆત બાદ ગુજરાત હાઈકોર્ટે સરકાર સામે અનેક પ્રશ્નો કર્યા હતા, જેમાં જ્યારે ખાનગી કંપનીએ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું અને જાહેર જનતા માટે બ્રિજને ખૂલ્લો મૂકી દીધો ત્યારે સરકાર શું કરતી હતી? શું સરકારને આ અંગેની જાણ ન હતી તેમજ દુર્ઘટના બાદ સરકારે શું કાર્યવાહી કરી?
બ્રિજ તૂટવાથી અમને પણ અફસોસઃ મહત્વનું છે કે, મોરબી દુર્ઘટનાની જે સુનાવણી ચાલી રહી છે. તેમાં સૌપ્રથમ વખત ઓરેવા ગૃપ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ બ્રિજનું સમારકામ કરનારા ઓરેવા ગૃપના ચેરમેન જયસુખ પટેલે કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, બ્રિજ તૂટવાની ઘટનાથી અમને પણ ઘણો અફસોસ થયો છે. અમારું કોમર્શિયલ પ્રવૃત્તિનો કોઈ જ ઇરાદો નહતો. 135 લોકોના જીવ જવાથી અમે પણ દુઃખી છીએ. મૃતકોના પરિજનોને તે વળતર આપવાની તૈયારી પણ જયસુખ પટેલે બતાવી હતી.
એડવોકેટ જનરલે આપ્યો જવાબઃ ગુજરાત સરકાર વતી એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં બ્રિજની સ્થિતિ મુદ્દે જવાબ આપ્યો હતો કે, ગુજરાતમાં કુલ 1,445 જેટલા ઓવરબ્રિજ છે. રાજ્યમાં કૉર્પોરેશનની હદમાં કુલ 168 મેજર બ્રિજ આવેલા છે. જ્યારે 180 જેટલા માઈનોર બ્રિજ છે. આમાંથી 63 મેજર બ્રિજમાં રિપેરીંગની ખૂબ જ જરૂર છે. આ સિવાય નગરપાલિકા વિસ્તારમાં 32 મેજર બ્રીજ અને 81 માઈનોર બ્રિજ આવેલા છે. હાલ રાજ્ય સરકાર દ્વારા 27 મેજર બ્રિજને રિપેર કરાયા છે જ્યારે બાકીના બ્રિજની કામગીરી ચાલુ છે.
મોરબી નગરપાલિકાને નોટિસ આપવાની જાણ કોર્ટને કરાઈઃ સરકાર દ્વારા મોરબી નગરપાલિકાને જે સુપરસીડ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તેને લઈને પણ રિપોર્ટ રજૂ કર્યો હતો. સરકાર જે કામગીરી કરી રહી છે તેની માહિતી પણ રજૂ કરી હતી. મોરબી નગરપાલિકાને મ્યુનિસિપાલટી એક્ટ કલમ 263 હેઠળ નોટિસ અપાવવાની પણ જાણ કોર્ટને કરવામાં આવી હતી.
હાઈકોર્ટનું અવલોકનઃ આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટ મહત્વનું અવલોકન કર્યું છે કે, રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે તમામ બ્રિજના રિપેરીંગનું કામ પૂર્ણ કરવું જોઈએ તેઓ આદેશ આપ્યો છે. તેમ જ જયસુખ પટેલ બાબતે હાઇકોર્ટે કહ્યું છે કે, જયસુખ પટેલ વળતર ચૂકવશે તો પણ તેમની સાથે કાર્યવાહી તો કરવામાં આવશે જ. આ સમગ્ર મામલે વધુ સુનાવણી આવનારા દિવસોમાં હાથ ધરવામાં આવશે.