અમદાવાદ : રાજ્યભરમાં જે પ્રકારે ગેરકાયદેસર કતલખાના અને ખરાબ અખાદ્ય માંસની દુકાનો ધમધોકાર રીતે ચાલી રહી હતી તેમની સામે ગુજરાત હાઇકોર્ટ મહત્વની કાર્યવાહી કરી છે. આ સાથે જ હાઈકોર્ટે નિયમોમાં કોઈપણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં એ વલણ પર અડગ રહીને ગુજરાત હાઇકોર્ટે દુકાનદારોની માંગને ફગાવી દીધી છે. માંસાહારી પદાર્થો વેચતાં દુકાનદારોને હાઇકોર્ટ તરફથી કોઈ પણ પ્રકારની રાહત આપવામાં આવી નથી.
ગુજરાત હાઇકોર્ટે અરજી ફગાવી : રાજ્યભરમાં ચાલી રહેલા ગેરકાયદેસર કતલખાના અને અખાદ્ય માંસાહારી પદાર્થો નું વેચાણ કરતા દુકાનદારો સામે જાહેર હિતની અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં દુકાનદારો તરફથી પવિત્ર રમજાન મહિનામાં દુકાનો ખોલવામાં આવે એવી અરજદાર દ્વારા માંગ કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ હતી અને આજે ગુજરાત હાઈકોર્ટેનો ચૂકાદો આવ્યો છે. જેમાં હાઇકોર્ટે દુકાનદારોને કતલખાના ખોલવા માટે કોઈપણ પ્રકારની રાહત આપી નથી. અરજદાર દ્વારા જે માંગ કરવામાં આવી હતી એને ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે.
શું હતી દુકાનદારોની માંગ : દુકાનદારો દ્વારા હાઇકોર્ટ સમક્ષ એવી માંગ કરવામાં આવી હતી કે અત્યારે રમઝાન મહિનો ચાલી રહ્યો છે ત્યારે માંસાહારી પદાર્થો વેચાણ કરવા માટે થોડી છૂટછાટ આપવામાં આવે. જોકે હાઈકોર્ટે આજે મહત્વનો ચૂકાદો આપતા જણાવ્યું હતું કે કોઈપણ દુકાનદારને રાહત આપવામાં આવશે નહીં. દુકાનદારોએ જો દુકાનો ખોલવી હશે તો જે તે સંબંધિત વિભાગ અથવા તો કમિટી પાસે મંજૂરી લેવી પડશે.
કોઈપણ પ્રકારનું વેચાણ નહીં ચલાવાય : ચલાવી કતલખાના અને દુકાનદારો માટે કાયદા અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ચોક્કસપણે પાલન કરવું પડશે એવો ગુજરાત હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ સમગ્ર મામલે ચુકાદો આપતા હાઇકોર્ટે નોંધ્યું હતું કે ખાદ્ય સુરક્ષાનો કાયદો જરૂરી છે. નાગરિકોને સારું અને ઉત્તમ ફૂડ મળી રહે તે પણ પ્રાથમિકતા છે. ખાદ્ય સુરક્ષાના નામે કોઈપણ પ્રકારનું વેચાણ ચલાવી લેવામાં આવશે નહીં.
આ પણ વાંચો Gujarat High Court: ગેરકાયદે ચાલતા કતલખાના યુદ્ધના ધોરણે બંધ કરો
નિયમોમાં બાંધછોડ નહીં : આ સાથે જ હાઇકોર્ટે અવલોકન કરતાં જણાવ્યું હતું કે જે કોઈ પણ લોકોને કતલખાના ખોલવા હશે અથવા તો દુકાનો ખોલવી હશે તેમને જે તે સંબંધિત વિભાગો પાસેથી લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને ફોલોઅપ કરવું પડશે. તમામ પ્રક્રિયામાં નિયમબદ્ધ અને કાયદાકીય રીતે પ્રક્રિયામાંથી પસાર થઈને ત્યારબાદ જ લાયસન્સ આપવામાં આવશે. કોઈપણ લોકોને આ નિયમોમાં બાંધછોડ કરવા દેવામાં આવશે નહીં અને કોઈ પણ લોકોને છૂટછાટ આપવામાં આવશે નહીં. જો તમામ નિયમોનું પાલન કરવામાં આવશે અને તમામ ધોરણોનું પાલન કરાશે તો જ દુકાનો હશે તેને ખોલવામાં આવશે તેવો મહત્વપૂર્ણ ચૂકાદો આજે ગુજરાત હાઇકોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે.