અમદાવાદ : લાખો શ્રદ્ધાળુઓના આસ્થા સમા એવા ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીએ ગુજરાત હાઇકોર્ટમાં મંદિરની આજુબાજુ ગેરકાયદેસર બાંધકામને લઈને અરજી દાખલ કરી હતી. આ મુદ્દે આજે સુનાવણી હાથ ધરાઈ હતી. આ મુદ્દે આજે ગુજરાત હાઇકોર્ટમાં ડાકોર નગરપાલિકા દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે.
હાઇકોર્ટમાં એફિડેવિટ : ડાકોર નગરપાલિકાએ હાઇકોર્ટમાં એફિડેવિટ ફાઇલ કર્યું એમાં કહેવામાં આવ્યું છે કે, બાંધકામની દૂર કરવા માટે સૂચના આપી દેવામાં આવી છે. આ સાથે જ રાહદારીઓને દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી ના પડે તે માટે પણ સૂચના આપી દેવામાં આવી છે આ સમગ્ર મુદ્દે પગલાં લેવાના પણ સૂચન કરી દેવામા આવ્યું છે.
ગેરકાયદેસર બાંધકામના લીધે અકસ્માત : આ સમગ્ર મામલે અરજદારની રજૂઆત હતી કે ગેરકાયદેસર બાંધકામના લીધે અકસ્માત થઈ રહ્યા છે. રાહદારીઓ અને સ્થાનિક લોકોને અનેક પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દર્શનાર્થીઓને ભક્તો પગપાળા દર્શન કરવા માટે આવતા હોય છે પરંતુ આ બાંધકામને લીધે એમાં પણ મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
શું છે સમગ્ર મામલો : ડાકોર રણછોડરાય મંદિરના પૂજારીએ ગુજરાત હાઇકોર્ટમાં મંદિરની આજુબાજુ ચાલી રહેલા કન્ટ્રક્શનના કામને લઈને અરજી કરી હતી. મંદિરની આજુબાજુ જે પ્રમાણે કન્ટ્રક્શન કામ થવું જોઈએ તે પ્રમાણે બાંધકામ નથી થઈ રહ્યું. અયોગ્ય બાંધકામના કારણે કારણે ભક્તોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એવી પિટિશન ગુજરાત હાઇકોર્ટમાં ફાઇલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો માહિતિ ન આપતા ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરને રૂપિયા 15 હજારનો દંડ
માર્જિન છોડ્યા વિના થયેલા કન્ટ્રકશન : ડાકોરમાં રણછોડરાય મંદિરની આજુબાજુ હાલ કન્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે. ડાકોર રણછોડરાય મંદિર જવાના રસ્તે માર્જિન છોડ્યા વિના થયેલા કન્ટ્રકશન સામે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. રણછોડરાય મંદિર જવાના રસ્તે 40 મીટરનું માર્જિન છોડ્યા વગર જે બાંધકામ ઉભુ કરવામાં આવ્યું છે. તેના કારણે લોકોને મુશ્કેલી પડી રહી છે અને માર્જિન ન છોડાતા ભક્તોને હેરાનગતિ થતી હોવાની ફરિયાદનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ધુળેટી પહેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નિર્દેશ : આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે ડાકોર નગરપાલિકાને હોળી ધુળેટી પહેલા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે નિર્દેશ કર્યો છે. આ સાથે જ નગરપાલિકાની વ્યવસ્થાનો રિપોર્ટ સોંપવાનો આદેશ કરવામાં આવ્યો. રાહદારીઓ કે સ્થાનિકોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેવા સૂચન પણ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે હાઇકોર્ટે ડાકોર નગરપાલિકા અને કલેક્ટરને નોટિસો જાહેર કરી છે આ સમગ્ર મામલે વધુ સુનાવણી આગામી સમયમાં હાથ ધરવામાં આવશે.