અમદાવાદ : ગુજરાત હાઇકોર્ટમાં ખરાબ રોડ રસ્તા તેમજ ટ્રાફિક સમસ્યા અંગે પણ જે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તેમાં રાજ્ય સરકાર તરફથી મનીષા લવ કુમાર શાહ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે શહેરના ટ્રાફિકને હેન્ડલિંગ કરવા માટે એક વૈજ્ઞાનિક પદ્ધતિને અપનાવવામાં આવી રહી છે.
હાઇકોર્ટની ટકોર : જોકે તેમની આ રજૂઆતની સાથે જ હાઇકોર્ટે કહ્યું હતું કે, આમાં કોઈ મોટું ગણિત છે નહીં પરંતુ ટ્રાફિક રોકવા માટે સામાન્ય કોમનસેન્સની જરૂર પડે છે. બધી જગ્યાએ ટ્રાફિક જોતા જ દેખાઈ આવે છે કે લારીઓ, પાનના, ગલ્લાઓ તેમજ ખાણીપીણીની લારીઓએ જ્યાં ત્યાં હોય છે જેના કારણે લોકોને ટ્રાફિકનો સામનો કરવો પડે છે અને અમુક જગ્યાએ તો ગેરકાયદેસર પાર્કિંગ પણ થઈ રહ્યા છે.
હાઇકોર્ટે લગાવી સવાલોની ઝડી : કોર્ટે સરકારની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, હજુ સુધી પણ શહેરોમાં ટ્રાફિકની સમસ્યાઓ યથાવત છે કેમ હજુ સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી? કોર્ટે કહ્યું હતું કે, શહેરના એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક ખૂબ જ ભારે પ્રમાણમાં જોવા મળે છે. શહેરના ઇસ્કોન, પકવાન, જજીસ બંગલો અને નારણપુરા વિસ્તારોમાં તો સાંજના સમયે જશો તો ખ્યાલ આવશે કે કેટલો બધો ટ્રાફિક જોવા મળે છે. શું સરકારને કે ટ્રાફિક વિભાગને આ બધો ટ્રાફિક દેખાતો નથી ? શું લોકો જે ટ્રાફિકના નિયમો તોડી રહ્યા છે કાયદા તોડી રહ્યા છે તેમની સામે આંખ બંધ કરી લેશે કે પછી કાયદો તોડતા જોઈ રહેશો? કોઈ કામગીરી કરવામાં આવશે કે નહીં?
કાયદાનો કડકાઈથી અમલ : હાઇકોર્ટે સરકારને કહ્યું હતું કે પબ્લિક દ્વારા 'નો પાર્કિંગ ઝોન' લખેલું હોય છે ત્યાં પણ ગાડીઓ પાર્ક કરીને જતા રહેતા હોય છે. નાગરિકોને નિયમોનું પાલન કરાવવાની જવાબદારી અને કાયદાનો અમલ કરાવવાની જવાબદારી રાજ્ય તેમજ જે તે સ્થાનિક સરકારની હોય છે. જો કોઈ કાયદાનું પાલન નથી કરતા તો તેમની પાસે કડકાઈથી અમલ કરાવવામાં આવે. આ સાથે જ જ્યાં શહેરોમાં વધારે પડતું ટ્રાફિક થતું હોય ત્યાં જ પોલીસ કર્મચારીઓ મૂકવા જોઈએ.
સરકારે જવાબમાં શું કહ્યું? : આ સંદર્ભે સરકાર વતી જવાબ રજૂ કરવામાં આવ્યો હતો કે મહિનામાં 10 દિવસ સુધી એક ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવે છે. જેમાં જો કોઈપણ પ્રકારના નિયમોનો ભંગ થાય છે અથવા તો ટ્રાફિક સિગ્નલ તોડે છે તો તેમને તરત જ દંડ પણ કરવામાં આવે છે. આ સાથે જ રાજ્ય સરકાર તરફથી એ પણ કહેવામાં આવ્યું હતું કે પોલીસ ઓથોરિટી આ તમામ બાબતે મોનિટરિંગ પણ કરી રહી છે આ ઉપરાંત સીસીટીવી દ્વારા પણ ટ્રાફિક ઉપર નજર નાખવામાં આવી રહી છે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારને ઈ ચલણ રૂપે દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે.
અહેવાલ સાથેના ફોટા હાઇકોર્ટને આપવા હુકમ : આ સમગ્ર મામલે સુનાવણી બાદ હાઇકોર્ટે ટ્રાફિકની સમસ્યા અંગેના ફોટોગ્રાફ સાથે રિપોર્ટ રજૂ કરવા માટે સ્ટેટ લીગલ ઓથોરિટીને હુકમ કર્યો છે. લીગલ સર્વીસ ઓથોરિટીએ અમદાવાદના મહત્વના મેઇન રોડના તમામ રસ્તાઓના ફોટા તેમજ જ્યાં પણ પાનના ગલ્લા અને પાર્ટી પ્લોટ જેવા સ્થળોએ ટ્રાફિક થતો હોય તે અહેવાલ સાથેના ફોટા હાઇકોર્ટને રજૂ કરવાના રહેશે. આ સમગ્ર મુદ્દે વધુ સુનાવણી 25 જુલાઈના રોજ હાથ ધરવામાં આવશે.