અમદાવાદ : પૂર્વ IPS સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ પ્રોટેક્શનની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી હતી. તે અરજીને ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવી છે. આ સાથે જ અરજી ફગાવતા ગુજરાત હાઇકોર્ટે પોલીસ પ્રોટેક્શનને લઈને મહત્વનું અવલોકન કરતા જણાવ્યું હતું કે, પોલીસ પ્રોટેક્શન એ નાગરિકનો અધિકાર નથી.
પાછી ખેંચવાના કારણોની માંગણી : ગુજરાત કેડરના ભૂતપૂર્વ IPS સંજીવ ભટ્ટના પરિવારને રાજ્ય સરકાર તરફથી પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. પરંતુ જુલાઈ 2018માં આ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. આ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવતા શ્વેતા ભટ્ટ દ્વારા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સંજીવ ભટ્ટ અને તેમના પરિવાર માટે 2018માં પોલીસ સુરક્ષા પાછી ખેંચવાના કારણોની માંગણી કરવામાં આવી હતી.
શા માટે સુરક્ષા પાછી લેવામાં આવી : શ્વેતા ભટ્ટ દ્વારા જે અરજી દાખલ કરવામાં આવી હતી તે અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. તેમાં શ્વેતા ભટ્ટના વકીલ એડવોકેટ આનંદ યાજ્ઞિક દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, વહીવટી કાયદા હેઠળ તેમની પાસેથી શા માટે સુરક્ષા કવચ પાછું ખેંચી લેવામાં આવ્યું છે. તે જાણવાના હકદાર છે તેમજ રાજ્ય દ્વારા શા માટે સુરક્ષા પાછી લેવામાં આવી?
64 લોકોની પોલીસ સુરક્ષા પાછી ખેંચી : તો બીજી બાજુ સરકારી વકીલ મિતેશ અમીને રજૂઆત કરી હતી કે, રાજ્ય સરકારના તારીખ 16,7,2018 ના આદેશ દ્વારા માત્ર સંજીવ ભટ્ટ સામે જ નહીં પરંતુ ઘણા ન્યાયાધીશો અને મંત્રીઓ સહિતની સામેથી પણ પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી. જેમાં કુલ 64 લોકોની પોલીસ સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી હતી.
ભટ્ટને રક્ષણ આપવાનું કારણ : સંજીવ ભટ્ટને તે સમયે રક્ષણ આપવાનું કારણ એ પણ હતું કે તે સમયના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના કેસમાં તેઓ ખૂબ જ મહત્વના પાસાના સાક્ષી હતા. તેથી એ સમયને ધ્યાનમાં રાખીને તેમને સુરક્ષા પાર પાડવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ તેમને હવે પોલીસ સુરક્ષા આપવાનું પણ કોઈ કારણ રહેતું નથી.
આ પણ વાંચો : Gujarat High Court: OBC કમિશન મુદ્દે હાઈકોર્ટે ગુજરાત સરકારનો ઉઘડો લીધો
કોર્ટે શું અવલોકન : તમામ પક્ષકારોની સુનાવણી સાંભળ્યા બાદ જસ્ટિસ નિઝર દેસાઈની કોર્ટ દ્વારા શ્વેતા ભટ્ટની અરજીને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે મહત્વનું અવલોકન કર્યું હતું કે, શ્વેતા ભટ્ટને પોલીસ સુરક્ષાનો કોઈ અધિકાર નથી. કોઈપણ વ્યક્તિને સ્પેશિયલ પોલીસ પ્રોટેક્શન આપવું અને તેને પાછું ખેંચવા માટે રાજ્યએ કોઈ પણ કારણો આપવાની જરૂર નથી. પોલીસ પ્રોટેક્શન નાગરિકને જરૂરી રક્ષણ માટેનું પ્રયાસ છે. તેને હક કે અધિકાર ગણી શકાય નહીં. પોલીસ પાસે સુરક્ષા આપવાના ખૂબ જ મર્યાદિત સ્ત્રોતો છે, કારણ કે પોલીસ પાસે માનવબળ મર્યાદિત હોય છે.
આ પણ વાંચો : Gujarat High Court : નિત્યાનંદ આશ્રમમાંથી ગુમ થયેલી યુવતીઓને હાજર કરવા કોર્ટે કર્યો આદેશ
નરેન્દ્ર મોદી પર આરોપો : મહત્વનું છે કે ગુજરાત કેડરના ભૂતપૂર્વ IPS અધિકારી હાલમાં 1990ના કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ સાથે જ તેમણે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપો પણ લગાવ્યા હતા કે 2002ના ગોધરા રમખાણોના કેસમાં તેઓ સૂત્રધાર હતા. સંજીવ ભટ્ટને 2015માં ગૃહ મંત્રાલય દ્વારા બરતરફ કરવામાં આવ્યા હતા. આ સાથે જ પૂર્વ IPS સંજીવ ભટ્ટના પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા જે પોલીસ પ્રોટેક્શન માંગવામાં આવ્યું હતું. જે કારણો સાથેની પીટીશન અરજી દાખલ કરવામાં આવી હતી. તેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વના અવલોકન સાથે ફગાવી દેવામાં આવી છે.