ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજ જસ્ટીસ એસ.એચ.વોરાએ મહત્વપૂર્ણ ચૂકાદો આપતાં અવલોકન કર્યું હતું કે, દુષ્કર્મના કેસમાં આરોપી વિરુદ્ધ દાખલ થયેલી પોલીસ ફરિયાદ રદ કરવીએ કાયદાના સિદ્ધાંતનો અપવાદરૂપ કિસ્સો છે, પરંતુ આ કેસમાં આરોપી યુવક અને પીડિત યુવતી વચ્ચે સર્વસમંતિથી લગ્ન થઈ જતાં ભવિષ્યમાં સાથે રહેવાનું થશે. ત્યારે જો આ કેસમાં આગળ ટ્રાયલ જારી રાખવામાં આવશે તો, બંને વચ્ચેના સંબંધમાં ખટાશ પડવાની શક્યતા છે. બંને લગ્ન કરી લીધા હોવાની એફિડેવિટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરતાં હવે તેમની વિરુદ્ધ આગળ ફરિયાદ જારી રાખવીએ કાયદાનો દુરઉપયોગ સમાન છે.
આરોપી અરજદારના વકીલ નિશિત ઠાકર તરફે હાઈકોર્ટમાં આરોપી યુવક તરફે સ્વૈચ્છિક રીતે રાજીખુશીથી બંને લગ્ન કર્યા હોવાનું સોંગદનામું રજૂ કર્યું હતું. એટલું જ નહિ લગ્ન બંને પરીવારોની સમંતિથી થયા હોવાનું પણ કોર્ટને જણાવ્યું છે. પીડિતા યુવતીની માતા તરફે પણ સર્વસમંતિના લગ્નનો એફિડેવિટ રજૂ કરવામાં આવ્યો હતો. વર્ષ 2018માં જ્યારે બંને વચ્ચે શારિરીક સંબંઘ બંધાયા હતા, ત્યારે તેઓ સગીર વયના હતા. જો કે, હવે બંને પુખ્ત થઈ જતાં રજૂ કરાયેલા મેરેજ સર્ટિફિકેટ પ્રમાણે 7 મેના રોજ લગ્ન કરી લીધા હતા.
ગત 20 ડિસેમ્બરના રોજ હાઈકોર્ટના જસ્ટીસ સોનિયા ગોકાણીની કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિત યુવતીની માતા તરફે બંને વચ્ચે સગાઈ થઈ ગયા હોવાના ફોટા રજૂ કરવામાં આવ્યા હતા, જે કોર્ટ દ્વારા રેકોર્ડ પર લેવામાં આવ્યું હતું. આ સુનાવણી દરમ્યાન બંને પરીવાર તરફે લગ્ન કરવાની તૈયારી બતાવતા કોર્ટે આરોપી યુવકના વચ્ચગાળા જામીન લંબાવ્યા હતા. ચાલું વર્ષે મે મહિનામાં યુવક પુખ્ત થઈ જતાં તેમના લગ્ન થઈ ગયા હતા.
આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2018માં અમરાઈવાડી વિસ્તારમાં રહેતા યુવક યુવતી વચ્ચે પ્રેમ પ્રકરણ ચાલતું હતું અને ત્યારબાદ બંને ઘરેથી ભાગી ગયા હતા અને ત્યારબાદ પીડિત યુવતીના માતાએ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં આરોપી યુવક ઘરથી ફરાર હોવાથી તેની વિરુદ્ધ દુષ્કર્મ કરવાના ઈરાદે યુવતીને ભગાડી જવાની પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
અમદાવાદથી આકિબ છીપાનો વિશેષ અહેવાલ