અમદાવાદઃ ગુજરાત હાઈકોર્ટમાં 28મી નવેમ્બરે મસ્જિદોમાં લગાડેલા લાઉડ સ્પીકરથી ઉત્પન્ન થતા ધ્વનિ પ્રદૂષણને રોકવા માટેની અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી. જેમાં મસ્જિદોમાં અજાન અને ઈસ્લામિક પ્રાર્થના માટે લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધની માંગણી કરતી પીઆઈએલ પર દલીલો થઈ હતી. ગુજરાત હાઈ કોર્ટે આ પીઆઈએલ એક ખોટી ધારણા રજૂ કરે છે તેમ જણાવ્યું હતું.
મુખ્ય ન્યાયાધીશ સુનિતા અગ્રવાલ અને ન્યાયાધીશ અનિરુદ્ધ પી માયીની સંયુક્ત બેન્ચમાં આ પીઆઈએલ પર સુનાવણી હાથ ધરાઈ હતી. સંયુક્ત બેન્ચે પીઆઈએલ કર્તાને વેધક સવાલ કર્યો હતો, શું મંદિરમાં આરતી દરમિયાન વગાડવામાં આવતા ઘંટ અને ઘડિયાળો(ગોંગ)નો અવાજ પરિસરની બહાર નથી સંભળાતો? બજરંગ દળના નેતા શક્તિસિંહ જાલાએ દાવો કર્યો હતો કે લાઉડ સ્પીકરના માધ્યમથી વાગતી અજાનના અવાજથી લોકો ખાસ કરીને બાળકોના સ્વાસ્થ્ય પર અસર થાય છે. જે અસુવિધાનું કારણ પણ બને છે.
ગુજરાત હાઈકોર્ટે આ પીઆઈએલમાં કરવામાં આવેલ દાવા પાછળ વૈજ્ઞાનિક આધારનો અભાવ જણાવ્યો હતો. હાઈકોર્ટે જણાવ્યું કે, દિવસના અલગ અલગ સમયે કલાકમાં વધુમાં વધુ માત્ર 10 મિનિટ અજાન લાઉડ સ્પીકર પર વગાડવામાં આવે છે. શું સવારે લાઉડ સ્પીકર પર વગાડવામાં આવતી અજાનનું સ્તર માનવીના સ્વાસ્થ્યને હાનિ પહોંચાડતા ધ્વનિ પ્રદૂષણ જેટલું હોય છે. જેનાથી નાગરિકોના આરોગ્યને મોટો ખતરો પેદા થાય. આ બાબત સમજવામાં હાઈ કોર્ટે વિફળ રહી હોવાનું જણાવ્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે આ રીતે પીઆઈએલ પર વિચાર નથી કરી રહી હોવાનું જણાવીને કહ્યું કે આ વર્ષોથી ચાલી આવતી આસ્થા અને પ્રથા છે. આ સમય માત્ર 5થી 10 મિનિટનો હોય છે. પીઆઈએલ કર્તાના મંદિરમાં ઢોલ અને સંગીતની સાથે સવારની આરતી સવારે 3 કલાકથી શરુ થઈ જાય છે. તેમાં પણ અવાજ તો થાય જ છે. શું તમે ખાતરીપૂર્વક કહી શકો કે મંદિરના ઘંટ અને ઘડિયાળ(ગોંગ)નો અવાજ મંદિર પરિસરમાં જ રહે છે, આ ધ્વનિ મંદિરની બહાર જતો નથી ?
ગુજરાત હાઈ કોર્ટે અરજકર્તાના વકીલને પુછ્યું કે, ધ્વનિ પ્રદૂષણ માપવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિ છે, પણ પીઆઈએલમાં આ પ્રકારનો કોઈ ડેટા રજૂ કરવામાં આવ્યો નથી. દસ મિનિટની અજાન ધ્વનિ પ્રદૂષણનું કારણ છે તેની વિગતોનો પીઆઈએલમાં અભાવ છે. (પીટીઆઈ)