- ગુજરાત હાઇકોર્ટમાં પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થઈ નથી
- નાના સ્તરે કાર્યરત એડવોકેટ્સને આવકનો કોઈ સ્ત્રોત પ્રાપ્ત નથી
- વકીલોની સાથે તેમના ક્લાર્કને પણ સહાય કરવામાં આવી
અમદાવાદ : એક તરફ કોરોનાની અસરના કારણે ગુજરાત હાઇકોર્ટમાં અત્યાર સુધી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થઈ નથી. નાના સ્તરે કાર્યરત એવા એડવોકેટ્સને આવકનો કોઈ સ્ત્રોત પ્રાપ્ત થઈ રહ્યો નથી. તેમની સ્થિતિ દિવસેને દિવસે કથળતી રહી છે. આવા સમયે ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશન તેમની વ્હારે આવ્યું છે. એસોસિએશન દ્વારા જે એડવોકેટ્સને ઓછી આવક થઇ હોય તેમને એડવોકેટ્સ વેલ્ફેર ફંડમાંથી પ્રત્યેકને 10,000 રૂપિયા આપવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : નોકરિયાત વર્ગ માટે ખુશીના સમાચાર, 2020-21 માટે પ્રોવિડન્ડ ફંડ પર મળશે 8.5 ટકા વ્યાજ
200 જેટલા લોકોએ રૂપિયા અગિયારસોથી બે લાખ સુધી ફંડ ફાળો આપ્યો
ETV ભારત સાથે વાતચીત કરતા ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ એસોસિએશનના સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એસોસિએશનના 200 જેટલા લોકોએ રૂપિયા અગિયારસોથી બે લાખ સુધી ફંડ માટે પોતાનો ફાળો આપ્યો હતો. જેથી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ વેલ્ફેર ફંડમાં 31થી ૩૨ લાખ રૂપિયા ભેગા થયા હતા. આ ફંડમાંથી એવા એડવોકેટ્સ કે જેમને વર્ષમાં 5થી ઓછી મેટર મળી હોય તેમને મદદ કારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે, કોરોનાને કારણે ગુજરાત હાઇકોર્ટમાં આજ દિન સુધી અપ્રત્યક્ષ સુનાવણી ચાલી રહી છે. જેથી મોટાભાગના એડવોકેટ્સની આવક ઉપર અસર થઈ છે.
આ પણ વાંચો : CM રૂપાણીએ નાબાર્ડના ચેરમેન સાથે કરી બેઠક, ટ્રાયબલ ડેવલપમેન્ટ ફંડ માટે ફાળવ્યા 180 કરોડ
ફંડ ઇનકમટેક્સની કલમ 80G મુજબ સર્ટિફાઇડ અને ટેક્સ મુક્ત
ફંડ વિશે વાત કરતા હાર્દિક બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એસોસિએશન દ્વારા ઉભું કરાયેલું ફંડ ઇનકમટેક્સની કલમ 80G મુજબ સર્ટિફાઇડ અને ટેક્સ મુક્ત છે. જેમાંથી અત્યાર સુધી 175 જેટલા વકીલોને સહાય કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનમાં 2 હજાર જેટલા રજીસ્ટર્ડ એડવોકેટ્સ છે. તમામના સહકારથી ગુજરાત હાઇકોર્ટ એડવોકેટ વેલ્ફેર ફંડ ઉભું કરી આવી રીતે સહાય કરનારું ભારતનું પ્રથમ એસોશિયેશન બન્યું છે.