ગાંધીનગર : રાજ્યમાં દર વર્ષે લગભગ 9000 જેટલા થેલેસેમિયા મેજર બાળકોનો જન્મ થાય છે. આવા બાળકોનું આયુષ્ય ખૂબ ઓછું હોય છે અથવા તો જ્યાં સુધી જીવે ત્યાં સુધી દર મહિને લોહીના બોટલ ચડાવવાની પરિસ્થિતિ ઉભી થાય છે. ત્યારે થેલેસેમિયાગ્રસ્ત બાળક ન જન્મે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.
થેલેસેમિયાગ્રસ્ત બાળજન્મ અટકાવવાનો પાયલોટ પ્રોજેકટ : અમદાવાદની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 600 બાળકોને થેલેસેમિયા મેજર ન જન્મે તે હેતુથી કાયદા અનુસાર એબોર્શન કરાવવામાં આવ્યું છે. અમદાવાદની હોસ્પિટલમાં પાયલોટ પ્રોજેકટ શરૂ થતાં રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુ. કોર્પોરેશન સાથે રહીને પ્રોજેકટ હેડ ડોકટર અનિલ ખત્રીએ ETV સાથેની વાતચીત કરી હતી.
ગુજરાતમાં થેલેસેમિયા મેજર બાળકોનો જન્મ અટકાવવો મુખ્ય હેતુ છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલ, સોલા સિવિલ હોસ્પિટલ, ઈએસઆઈ હોસ્પિટલ અને અમદાવાદ કોર્પોરેશનની હોસ્પિટલમાં તથા શહેરના તમામ અર્બન સેન્ટર ઉપર ખાસ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આ હોસ્પિટલમાં જેટલી મહિલાઓ ગર્ભવતી થયા બાદ પ્રથમ વિઝિટમાં આવે છે, ત્યારે સૌથી પહેલા મહિલાઓનું ટેસ્ટિંગ કરવામાં આવે છે કે તેઓને થેલેસેમિયા તો નથી ને. જો ખબર પડે કે ગર્ભવતી મહિલા થેલેસેમિયા માઇનોર છે તો તેના પતિનું પણ થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવે છે. આમ મહિલાના પતિ પણ થેલેસેમિયા માઇનર આવે તો પછી પ્રિનેટલ ડાયગ્નોસ્ટિકસ ટેસ્ટ કરીને ગર્ભસ્થ શિશુની તપાસ કરવામાં આવે છે. તે ઉપરથી જાણી શકાય છે કે આવનાર બાળક થેલેસેમિયા માઇનોર છે કે મેજર છે... ડોકટર અનિલ ખત્રી(પ્રોજેકટ હેડ )
600 બાળકોનું એબોર્શન કરાયું : ડોક્ટર અનિલ ખત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પતિ કે પત્ની બંને થેલેસેમિયા માઇનોર હોય તો દરેક પ્રેગનેન્સીમાં 25 ટકા સંભાવના હોય છે કે બાળક મેજર આવશે કે માઇનોર. અમદાવાદમાં પાઇલોટ પ્રોજેક્ટ અનુસાર 8 લાખ પ્રેગનન્ટ મહિલાઓનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે જેમાં 600 બાળકો થેલેસેમીયા મેજર હોવાનું સામે આવ્યું હતું. જેમાં કાયદાકીય રીતે એબોર્શન કરાવીને 600 બાળકોને થેલેસેમિયા મેજર સાથે જન્મતાં અટકાવવામાં આવ્યાં છે.
હું થેલેસેમિયા માઈનોર છું એે ખબર જ ન હતી. ઉપરાંત મારી પત્ની પણ થેલેસેમિયા માઈનોર છે એ પણ મને ખબર ન હતી. લગ્ન પહેલાં પણ કોઈ પ્રકારનો ટેસ્ટ કરાવ્યો ન હતો. પણ જ્યારે બાળક આવ્યો ત્યારે જનમના 2 મહિના પછી સતત બીમાર રહેતો હતો, સતત તાવ જ આવ્યો હતો, ત્યારે મારું પોસ્ટિંગ રાજસ્થાનમાં હતું. મે ડોકટરને બતાવ્યું ત્યારે થેલેસેમિયા ટેસ્ટ કરવાની સલાહ આપી. ત્યારે ખબર પડી કે મારું બાળક થેલેસેમિયા મેજર છે. ત્યારબાદ અમારા ટેસ્ટ કરવામાં આવ્યાં ત્યારે અમે પતિ પત્ની પણ માઈનોર આવ્યાં. આમ હવે તમામ લોકોએ થેલેસેમિયા ટેસ્ટ કરાવીને લગ્ન કરવા જોઇએ. જ્યારે હાલમાં બાળકને દર મહિને લોહીના બાટલા પણ ચડાવવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. ..વિવેકકુમાર(થેલેસેમિયાગ્રસ્ત બાળકના પિતા)
ખાનગી હોસ્પિટલમાં ફરજિયાત કરવામાં આવે : ડોકટર અનિલ ખત્રીએ વધુમાં જણાવ્યું હતું કે પાઇલોટ પ્રોજેક્ટથી અમદાવાદની તમામ સરકારી હોસ્પિટલોમાં પણ સંપૂર્ણ રીતે તપાસ કરી રહી છે, પરંતુ ખાનગી હોસ્પિટલમાં આનું પાલન કડક પાલન કરાવી શકાતું નથી. કારણ કે આ માટે કોઈ કાયદો નથી. જેથી આવનારા દિવસોમાં રાજ્ય સરકાર ખાનગી હોસ્પિટલમાં પણ ફરજિયાત ગર્ભસ્થ બાળકનું સ્ક્રિનિંગ થાય તે બાબતનું આયોજન કરવું જોઈએ. જેથી થેલેસેમિયા મેજર બાળક ન જન્મે. કડક નિયમ ન હોવાને કારણે જ થેલેસેમિયા મેજર બાળકો જન્મ લઈ રહ્યા છે.
4 મહિનાઓ ગર્ભ, પણ બીજું બાળક માઈનોર : આવો જ બીજો કિસ્સો પણ સામે આવ્યો છે. જેમાં અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતા અમી જૈન ETV ભારત સાથે ટેલીફોનિક વાતચીત કરતા જણાવ્યું હતું કે હું અને મારા પતિ બન્ને થેલેસેમિયા માઈનોર છીએ. અમે લગ્ન કર્યા પણ લગ્ન પહેલાં ખબર ન હતી. પણ પ્રથમ બાળક આવ્યું અને બાળક થેલેસેમિયા મેજર હોવાનો રિપોર્ટ આવ્યા બાદ અમને ખબર પડી છે કે અમે પણ થેલેસેમિયા માઈનોર છીએ. જ્યારે હાલમાં મારે 4 મહિનાનો ગર્ભ છે, પણ મે પ્રિનેટલ ડાયગનોસ્ટિક્સ કરાવ્યું છે. જેમાં ગર્ભમાં રહેલ બાળક મેજર ન હોવાનો રિપોર્ટ આવ્યો છે.
થેલેસેમિયાના ટેસ્ટ નથી થતાં : આમ એક અંદાજ મુજબ 10 ટકા જેટલા જ ખાનગી હોસ્પિટલ દ્વારા ગર્ભવતી મહિલાઓના થેલેસેમિયા ટેસ્ટ કરવામાં આવે છે પરંતુ 90 ટકા જેટલી હોસ્પિટલોમાં આવા ટેસ્ટ થતાં નથી. જ્યારે હાલમાં મેટરનિટી હોસ્પિલમાંથી HIVના ટેસ્ટ કરવામાં આવે છે પણ જરૂરિયાત એવા થેલેસેમિયાના ટેસ્ટ કરવામાં નથી આવતાં.