અમદાવાદ : સુરતની બે યુવતી પર દુષ્કર્મના કેસમાં આસારામ સહિત અન્ય છ લોકો આરોપીઓને સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટે અન્ય છ આરોપીઓને નિર્દોષ જાહેર કરીને છોડી મૂક્યા હતાં. ત્યારે છ આરોપીઓને નિર્દોષ છોડવાના ટ્રાયલ કોર્ટના હુકમ સામે સરકાર હાઇકોર્ટમાં અપીલ દાખલ કરશે.
મોટો નિર્ણય : રાજ્ય સરકારના કાયદા વિભાગ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ આસારામને જોધપુરમાં થયેલી તેમજ ગાંધીનગરમાં થયેલી સજાને એક સાથે કાપવાનો જે ટ્રાયલ કોર્ટનો નિર્ણય હતો તેની સામે પણ પિટિશન કરવામાં પણ કાયદાકીય અભિપ્રાય આપવામાં આવ્યો છે જેના કારણે આસારામની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.
ટ્રાયલ કોર્ટની સત્તા બહાર : મહત્વનું છે કે રાજસ્થાન અને ગુજરાતના કેસ અલગ અલગ હોવાથી એક સાથે સજા કાપવાનો નિર્ણય ટ્રાયલ કોર્ટની સત્તામાં આવતો નથી. તેથી આ અંગે પણ પિટિશન દાખલ કરીને યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
શું છે સમગ્ર કેસ : આ સમગ્ર કેસની વિગતો જોઈએ તો સુરતની બે યુવતી પર દુષ્કર્મના કેસમાં આસારામ સહિત અન્ય છ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. વર્ષ 2001માં બંને યુવતીઓ ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્યારે આ ફરિયાદ વર્ષ 2013માં સુરતમાં દાખલ કરવામાં આવી હતી. આ સમગ્ર દુષ્કર્મ કાંડમાં 6 ઓક્ટોબર 2013 ના રોજ આસારામ સહિત કુલ સાત આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
2014માં દાખલ થયો કેસ : બંને પીડિતાઓએ જે ફરિયાદ દાખલ કરી હતી તેમાં આસારામ તેમજ નારાયણ સાંઈ સામે આક્ષેપ લગાવ્યા હતાં. જેમાં તેની પત્ની પુત્રી અને સેવિકાઓને પણ આરોપી તરીકે દર્શાવવામાં આવ્યા હતાં. આસારામ સામે ફરિયાદ નોંધાયા બાદ કેસની સુનાવણી દરમિયાન આસારામને વિડીયો કોન્ફરન્સથી પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં પોલીસની પૂછપરછ દરમિયાન વર્ષ 2014માં આસારામ પર દુષ્કર્મ કેસમાં દાખલ કરવામાં આવ્યો હતો.
દુષ્કર્મની ઘટનાઓ : બંને બહેનોએ જે આક્ષેપ લગાવ્યા હતાં તેમાં જણાવ્યું હતું કે વર્ષ 1996થી બંને બહેનો અને તેમનો પરિવાર આસારામ આશ્રમ સાથે જોડાયેલા હતાં. વર્ષ 1996થી લઈને વર્ષ 2001 સુધી તેમને ચૂરણ હોલમાં રાખવામાં આવ્યા હતા. વર્ષ 2001માં તેમની સાથે અમદાવાદની શાંતિવાટિકામાં જ આસારામે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ તેઓ પીડિતાને અને તેમના પરિવારને ખૂબ જ ડરાવીને રાખતા હતાં. જોધપુર કેસની જે ઘટના બની તેમાં પીડિતાઓએ હિંમત બતાવીને એટલા વર્ષો પછી આ કેસ નોંધાવ્યો હતો.
કેસની ગંભીરતા : આ કેસના મહત્વના સાક્ષી એવા શાંતિવાટિકાના રસોઈયા અખિલ ગુપ્તા, વૈદ્ય અમૃત પ્રજાપતિ અને રાહુલ સચાનની પણ આસારામે હત્યાઓ કરાવી દીધી હતી. અત્રે એ મહત્વનું છે કે આ સમગ્ર કેસમાં કુલ 68 સાક્ષીઓને તપાસવામાં આવ્યા હતાં અને ત્યારબાદ આસારામને દોષિત જાહેર કરીને ચૂકાદો આપવામાં આવ્યો હતો. જ્યારે આસારામ સિવાય તમામ આરોપીઓને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા હતાં. જેથી હવે સરકાર તેમની સામે હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવા જઈ રહી છે.