અમદાવાદઃ રાજ્યભરમાં ગેરકાયદેસર કતલખાના અને લાઈસન્સ વિનાની જે દુકાનો ચાલી રહી છે. તે મામલે ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને સમગ્ર મામલે કયા કયા પગલાં લીધા તેની કામગીરીનો અહેવાલ રજૂ કરવા આદેશ આપ્યો હતો. ત્યારે આજની સુનાવણીમાં રાજ્ય સરકારે કામગીરીનો રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કર્યો હતો.
આ પણ વાંચોઃ Saurashatra University Controversy: HN શુક્લા કૉલેજના કર્મચારીએ ધરપકડથી બચવા કરેલી અરજી HCએ સ્વીકારી
દુકાનો સામે કાર્યવાહીઃ રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે, ગેરકાયદેસર કતલખાના અને લાઈસન્સ વિનાની દુકાનો સામે જે જુદા જુદા જિલ્લા કક્ષાઓની જે કમિટી રચવામાં આવી છે તેમાં કામગીરી થઈ રહી છે. જે દુકાનો લાયસન્સ ધરાવે છે, પરંતુ હાઈજેનિક નથી તેવી દુકાનો સામે પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. સાથે જ તમામ દુકાનો સામે સિલીંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે દુકાનદારો ફૂડ સેફ્ટીનું ધ્યાન નથી રાખી રહી તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા એ વ્યવસાય નથીઃ બીજી બાજુ દુકાનદારોના પક્ષકારોએ ગુજરાત હાઇકોર્ટમાં રજૂઆત કરી હતી કે, વ્યવસાય કરવો એ કોઈ ગુનો નથી. આ મામલે મિટીંગ કરીને નિકાલ લાવવામાં આવે તેવી પણ તેમણે રજૂઆત કરી હતી. આ સમગ્ર મામલે સુનાવણી સાંભળ્યા બાદ ગુજરાત હાઇકોર્ટે દુકાનદારોને ફટકાર લગાવતાં કહ્યું હતું કે, લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા તે વ્યવસાય નથી. લાઈસન્સ રિન્યુ કરાવવા એ દુકાનદારો માટે ફરજિયાત છે.
હાઈકોર્ટની તાકીદઃ સાથે જ ગુજરાત હાઈકોર્ટે તંત્રને કહ્યું હતું કે, ફૂડ સેફ્ટીના નિયમોનું ધ્યાન રાખવું એ તંત્રની જવાબદારી છે. કોઈ પણ પ્રકારના હાઈજેનિક ફૂડનું વેચાણ ન થાય તેની તંત્ર તકેદારી રાખે. સાથે જ ગુજરાત હાઇકોર્ટે મહાનગરપાલિકાને ગેરકાયદે ચાલતા કતલખાના સામે કાર્યવાહી કરવા પણ તાકીદ કરી છે. ગુજરાત હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, આ બાબતે કમિટીની રચના કરો અને સમસ્યાનો નિકાલ લાવો. તેમ જ દુકાનદરો સાથે મિટીંગ કરીને સમસ્યાનો ઉકેલ લાવવા પણ ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું.
હાઈકોર્ટે આપ્યા હતા ફરી તપાસના આદેશઃ નોંધનીય છે કે, ગત સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે જે પણ જિલ્લાઓ દ્વારા ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓની કાર્યવાહી અંગે રિપોર્ટ રજૂ કરાયો હતો. તેમાં શંકા વ્યક્ત કરી હતી અને ફરીથી તપાસના આદેશ આપ્યા હતા. મહત્વનું છે કે, ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે કમિટીની રચના કરવા અંગે સૂચનો આપવામાં આવી છે. તે અંગેનો રિપોર્ટ રાજ્ય સરકાર આગામી સુનાવણીમાં રજૂ કરશે.