અમદાવાદ: 1 મે 1960 એટલે કે ગુજરાતનો સ્થાપના દિવસ આજ ગુજરાતને 63 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ 63 વર્ષમાં ગુજરાત અનેક નવી સિદ્ધિઓ હાંસિલ કરી છે. માત્ર દેશમાં જ નહીં પરંતુ વિશ્વમાં પણ ગુજરાતનો ડંકો વાગી રહ્યો છે. ગુજરાત દરેક ક્ષેત્રે આગળ જોવા મળી રહ્યું છે. નવી નવી ઇન્ડસ્ટ્રીઝ, એજ્યુકેશન, આરોગ્ય દ્રષ્ટિએ પણ ગુજરાત આગળ છે. આવો જાણીએ બૃહદ મુંબઈમાંથી ગુજરાત રાજ્યની રચના કેવી રીતે થઈ.
બૃહદ મુંબઈ રાજ્ય તરીકે જાહેર: ડૉ.માણેક પટેલ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે, 'ભારત આઝાદ થતાં ગુજરાતને મુંબઈ રાજ્યમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર અલગ રાજ્ય અને કેન્દ્રશાસિત રાજ્ય બનાવવામાં આવ્યું હતું. ગુજરાત એક ભાષા તરીકે ગુજરાતનો વિકાસ અટકી જશે તેવી ગુજરાતના લોકોમાં મુશ્કેલી ઊભી થઈ હતી.સમય જતા જ મોરારજી દેસાઈએ મહારાષ્ટ્ર, બૃહદ મુંબઈ અને ગુજરાત એમ ત્રણ રાજ્યો જાહેર કર્યા હતા પરંતુ તે સમયે આમચી મુંબઈનું ખૂબ જ મોટું ઉગ્ર આંદોલન થતા મહારાષ્ટ્ર અને ગુજરાત બે રાજ્ય નક્કી કરવામાં આવ્યા હતા. જેના કારણે ગુજરાતના અમદાવાદ ખાતે જય જય ગરવી ગુજરાતના નારાઓ લાગવા માંડ્યા. પરંતુ ગુજરાતને અલગ રાજ્ય જાહેર કરવામાં આવ્યું નહીં અને કેન્દ્ર સરકાર દ્વારા મુંબઈને દ્વી-ભાષી મુંબઈ રાજ્ય બનતા ગુજરાતમાં ઉગ્ર આંદોલન થયું હતું.
માગ વધુ ઉગ્ર બની: 7 ઓગસ્ટ 1956ના રોજ દ્વિભાષી મુંબઈ રાજ્ય બન્યું હતું. તેની જાહેરાત થતા ખૂબ મોટું આંદોલન થયું હતું. 8 ઓગસ્ટ 1956 ના રોજ લાલ દરવાજા ખાતે આવેલ કોંગ્રેસ હાઉસની સામે 4,000 લોકોનો ટોળું ભેગું થયું અને લાઠીચાર્જ પથ્થરમારો ગોળીબાર થયો હતો. જેમાં 4 લોકોના મૃત્યુ પણ થયા હતા. દિવસે મહાગુજરાતની માંગ વધતી ગઈ હતી. આ ઉગ્ર આંદોલન વખતે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. જેની આગેવાની ઈન્દુલાલ યાજ્ઞિકે લીધી હતી. આ મહાગુજરાત જનતા પરિષદમાં બ્રહ્મકુમાર ભટ્ટ, પ્રબોધ રાવલ,રતિલાલ ખુશાલદાસ પટેલ જેવા નેતાઓ પણ સહકાર આપ્યો હતો. દ્વિભાષી મુંબઈ અસ્તિત્વમાં અંતે સરકાર દ્વારા લાવવામાં આવ્યું. જેને લઈને આંદોલન વધુ ઉગ્ર બન્યું અંતે કેન્દ્ર સરકાર દ્વારા નમતું જોખવું પડ્યું અને ભાષા આધારિત ગુજરાતને અલગ રાજ્ય બનાવવાનું બિલ પસાર કરવામાં આવ્યો.
આ પણ વાંચો Gujarat Foundation Day: સ્થાપના દિવસ નિમિતે જામનગરમાં મલ્ટીમીડિયા શો “નમોસ્તુતે નવાનગર” રજૂ થશે
ગુજરાત રાજ્યની સ્થાપના: 1 મે 1960ના રોજ સાબરમતી આશ્રમ ખાતે રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના પ્રથમ મુખ્યપ્રધાન તરીકે ડો. જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગને નિમણૂક કરવામાં આવ્યા હતા.ગુજરાત રાજ્યની સ્થાપના તો થઈ પરંતુ ગુજરાત રાજ્યની અલગ કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઈન્દુલાલ યાજ્ઞિકને ક્યાંય નામ જોવા મળ્યું નહીં. અંતે 1968માં હિતેન્દ્ર દેસાઈની સરકારમાં કોંગ્રેસ હાઉસની સામે જ શહીદ સ્મારક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને આ સ્મારક બનાવીને ઈન્દુલાલ યાજ્ઞિકના હસ્તેજ અનાવરણ કરવામાં આવ્યું હતું.