અમદાવાદ: દેશ અને ગુજરાતમાં કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ અનલોક-1 આપી દીધા બાદ ત્રણ તબક્કામાં છૂટછાટો આપી દેવામાં આવી છે. એટલે કે દેશમાં પહેલા ચરણમાં અને બીજા ચરણમાં એક બાદ એક છૂટછાટો સાથે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે પાસની જરૂર નહીં, તેમજ પાનના ગલ્લાઓથી લઈ અનેક દુકાનો અને કંપનીઓમાં છૂટછાટ આપવામાં આવી છે પરંતુ શિક્ષણ કાર્ય હજૂ સુધી શરૂ થયું નથી. તેના માટેના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે. જો કે, રાજ્યની કેટલીક ખાનગી શાળામાં તો વર્ચ્યુઅલ ક્લાસ શરૂ કરી દેવામાં આવ્યા છે. કોરોનાની મહામારીને કારણે સ્કૂલો ઓનલાઇન શિક્ષણની પદ્ધતિ અપનાવી રહ્યા છે.
અનલોક-1 વચ્ચે તારીખ 8 જૂનથી ધાર્મિક સ્થળો અને રેસ્ટોરન્ટ સહિત મલ્ટિપ્લેક્સ મોલ ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આજ છૂટછાટ વચ્ચે અનેક રાજ્યો પોતાને ત્યાં સ્કૂલો શરૂ કરવા માટે હજૂ સુધી અસમંજસમાં જોવા મળી રહ્યા છે. ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને હવે આરોગ્ય વિભાગની સાથે સાથે સ્કૂલના સંચાલકો, વાલીઓ અને કેટલાક નિષ્ણાંતો દ્વારા અભિપ્રાય મેળવી શાળા કયાં દિશાનિર્દેશને આધીન ખોલવી તે અંગેનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે.
ગુજરાતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કેન્દ્રીય માનવ સંસાધન મંત્રાલય આરોગ્ય વિભાગ તેમજ ગૃહ વિભાગની ગાઈડલાઈન અનુસાર સ્કૂલ શરૂ કરવા અંગેની નીતિ બનાવવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે. જેમાં શાળાના સંચાલકોના જણાવ્યા મુજબ, શાળા ખુલતા પહેલા અમુક નિયમો બનાવવા ખુબ જ જરૂરી છે. જેવા કે, શાળાના ગેટ પાસે સેનેટાઇઝર ટનલની વ્યવસ્થા તેમજ ફરજિયાત માસ્ક પહેરવું.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં શિક્ષણ શરૂ કરતાં સમયે દરેક ધોરણની તબક્કાવાર બોલાવવામાં આવે સાથે જ એક વર્ગની અંદર 30થી 35 વિદ્યાર્થીઓ અભ્યાસ માટે બેસાડવામાં આવે બે વિદ્યાર્થીઓની વચ્ચે 6 ફૂટના સોશિયલ ડિસ્ટન્સ સાથે બેંચ મુકવામાં આવે તથા તમામ બાળકોને સેનેટાઇઝર અને માસ્ક પહેરી જ બેસાડવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે.
રાજ્ય સરકારી સ્કૂલના સંચાલકો શિક્ષણ અને વાલીઓ તથા યોગ્ય નિષ્ણાંતોને વર્તમાન પરિસ્થિતિને આધીન સમીક્ષા કરી પોતાના અભિપ્રાયો રજૂ કરવા સૂચન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતના શિક્ષણ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર નિરીક્ષણના તારણોનો અભ્યાસ કરશે અને ત્યારબાદ ફરીવાર સ્કૂલ ખોલવા અંગે નિર્ણય કરવામાં આવશે.
જો કે, સૌથી મોટી ચિંતા તો ધોરણ 1થી 5ના બાળકોની છે. બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે 15 જૂનથી ઓનલાઇન ક્લાસીસ પણ શરૂ કરવામાં આવી રહ્યા છે અને વિદ્યાર્થીઓને જલ્દી પુસ્તક મળી જાય તેની પણ વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.