અમદાવાદ: મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાને કારણે નર્મદા ડેમની અંદર નવા નીર આવ્યા હતા. પરંતુ નર્મદા ડેમ ફૂલ થવાને કારણે એક સાથે પાણી છોડવામાં આવતાં દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરૂચ, સુરત જિલ્લામાં મોટાભાગના ઘરોમાં આઠ ફૂટથી વધારે પાણી ભરાઈ જતાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું. ગુજરાત કોંગ્રેસના નેતાઓએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
'ગુજરાત સરકારની ગંભીર ભૂલને કારણે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં ભારે પૂરનું નિર્માણ થયું હતું. કોંગ્રેસના નેતાઓના ડેલીગેશનને ત્યાં લોકોની પરિસ્થિતિ જાણવા માટે મોકલવામાં આવ્યા હતા. જ્યાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ જોવા મળી રહે છે. 17 સપ્ટેમ્બરના રોજ ભારતીય જનતા પાર્ટીએ વડાપ્રધાન મોદીને ખુશ કરવા માટે નર્મદા ડેમના વધામણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એક જ દિવસે એકસાથે 18 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના કારણે વડોદરા, સુરત અને ભરૂચ જિલ્લાના વિસ્તારો અસરગ્રસ્ત થયા હતા.' - શૈલેષ પરમાર, કોંગ્રેસના ઉપનેતા
પૂરગ્રસ્ત વિસ્તારોની હાલત ગંભીર: વધુમાં જણાવ્યું હતું કે ત્રણ દિવસ પૂરની પરિસ્થિતિ રહી હોવા છતાં સરકારના અધિકારીઓ મુલાકાત લેવા પહોંચ્યા નથી. ભરૂચના કડોદ અને શુક્લતીર્થ ગામમાં પણ 15 ફૂટ જેટલા પાણી ભરાયેલા હતા. લોકો પોતાને બચાવે કે પોતાના પશુધનને બચાવે તે પણ મુશ્કેલી અનુભવી રહ્યા હતા. અંકલેશ્વરના દાંડિયા બજારમાં દુકાનોમાં પાણી ઘૂસી જતા તમામ માલ સામાનને ભારે નુકસાન થયું છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોના પાકને ભારે નુકસાન જોવા મળી રહ્યું છે.
પાણી છોડતાં પહેલા જાણ ન કરાઈ: નર્મદામાં પાણી છોડતા પહેલા તંત્ર દ્વારા જાણ કરવામાં આવે છે. પરંતુ આ વખત તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જાણ કરવામાં આવી ન હતી. હાલ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહેરવા કપડાં તેમજ ખાવા અનાજ પણ ઉપલબ્ધ નથી. જેથી કોંગ્રેસ પક્ષની માંગ છે કે આ વિસ્તારોમાં થયેલ નુકસાન માટે સ્પેશિયલ રાહત પેકેજ જાહેર કરવામાં આવે. જે લોકોના પશુધન મુક્તિ પામ્યા છે. તેમને રાહતદરે યોગ્ય કિંમત ચૂકવવામાં આવે. જે જિલ્લામાં ખેડૂતોને નુકસાન થયું છે તેમને નુકસાનનું વળતર ચુકવવામાં આવે.
'દક્ષિણ ગુજરાતમાં સરકારની ભૂલને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. 15 સપ્ટેમ્બરના રોજ મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થયો હતો. જન્મદિવસ એવી રીતે ન ઉજવવો કે દેશના લોકોને નુકસાન થાય. 3 દિવસ બાદ તે વિસ્તારમાં પાણી ઓછું થતાં હાલમાં પણ લોકો પાસે ખાવા માટે અનાજ કે પીવા માટે પાણી પણ ઉપલબ્ધ નથી. તેના સ્થાનિક લોકો પણ દૂષિત પાણી પીવા માટે મજબૂર બન્યા છે. જેના કારણે તે વિસ્તારોમાં રોગચાળો વકરે તેવી પૂરેપૂરી શક્યતાઓ પણ જોવા મળી રહી છે.'- હિંમતસિંહ પટેલ, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ