અમદાવાદ: આર્થિક નીતિઓના વ્યવસ્થાપન, અમલીકરણમાં નિષ્ફળ, ખેડૂત અને યુવા વિરોધી નીતિઓના કારણે દેશમાં દરરોજ 116 ખેડૂતો - ખેતમજુરો અને રોજગારના અભાવે 38 નવયુવાનો આત્મહત્યા કરવા મજબૂર બન્યાના ચોંકાવનારા અહેવાલ ભાજપા સરકારની જનવિરોધી, ખેડૂત અને યુવા વિરોધી નીતિઓ જવાબદાર હોવાનો સ્પષ્ટ આક્ષેપ ગુજરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.
જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં એક જ વર્ષમાં 10,281 ખેડૂતો – ખેતમજદુરો આત્મહત્યા કરવા મજબૂર બન્યા છે. એટલે કે દરરોજ ભારત દેશમાં 116 ખેડૂતો – ખેતમજૂરો આર્થિક પાયમાલીના કારણે જીવન ટુંકાવવા મજબૂર બન્યા. દેશમાં ભાજપા સરકારની ખોટી નીતિના કારણે 45 વર્ષમાં સૌથી ઉંચો બેરોજગારીનો દર છે. ત્યારે દેશમાં એક વર્ષમાં 10,335 એટલે કે રોજ 38 નવયુવાનો રોજગાર ન મળવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. કેન્દ્રમાં ભાજપ સરકારે ખેતીની આવક બમણી કરવાની અને દર વર્ષે બે કરોડ રોજગાર આપવાનો એટલે કે, પાંચ વર્ષની અંદર 10 કરોડ રોજગારી આપવાનો વર્ષ 2014માં દેશની જનતા સમક્ષ વાયદો કર્યો હતો. ખેડૂતોની આવક તો બમણી થઈ નહી, પરંતુ આપઘાતની સંખ્યામાં મોટા પાયે વધારો થયો છે. સાથો સાથ દેશમાં લાખો નોકરીઓ છીનવાઈ ગઈ છે.
ગુજરાતમાં 4.5 લાખ શિક્ષિત બેરોજગાર સરકારી ચોપડે નોંધાયેલ છે અને 30 લાખ કરતા વધુ શિક્ષિત બેરોજગાર નોંધાયા વિનાના છે. તેમજ 55 હજાર કરતા વધુ નાના અને મધ્યમવર્ગના ઉદ્યોગો મૃતપાય સ્થિતિમાં છે. ગુજરાતના ઓળખ સમાન ઉદ્યોગો આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ભાજપા સરકારની ખેડૂત વિરોધ નીતિના કારણે ગુજરાતના 58 લાખ ખેડૂતો દેવાદાર છે. ગુજરાતમાં ખેતી અને ખેડૂતોની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી બાજુ ખેતમજદુરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.