અમદાવાદ: સમગ્ર ગુજરાત રાજ્યમાં અમદાવાદની ઉત્તરાયણ ખૂબ જ પ્રખ્યાત છે એમાં પણ જો વાત કરવામાં આવે તો અમદાવાદના પૂર્વ વિસ્તાર અને કોર્ટ વિસ્તારની ઉત્તરાયણ તો ખૂબ જ ફેમસ છે ત્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાડિયા વિસ્તારમાં પતંગ ચગાવવા માટે આવતા હતા. કોરોના વૈશ્વિક મહામારી બાદ આજે ઉતરાયણના દિવસે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ દરિયાપુર માં આવેલ નવા તળિયા પોળ ખાતેથી પતંગ ચગાવીને ઉતરાણની ઉજવણી કરી હતી.
આ પણ વાંચોઃ PATAN: પાટણ વન વિભાગની કચેરી ખાતે પક્ષી સારવાર કેન્દ્ર કાર્યરત કરાયું
પોળમાં ઉજવણીઃ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી અમદાવાદના દરિયાપુરની નવા તળીયાની પોળના રહીશો સાથે કરી હતી. ઉતરાયણ નિમિતે સીએમ ભુપેન્દ્ર પટેલે પતંગ ઉડાવીને અને તલ સાંકળી,સિંગ ચીકી વગેરેનો પણ આસ્વાદ માણીને પોળના રહીશોના ઉલ્લાસમાં સહભાગી થયા હતા. જ્યારે સીએમ ભુપેન્દ્ર પટેલે ગુજરાતના સૌ નાગરિકોને મકરસંક્રાંતિ ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવતા કહ્યું કે, સમગ્ર દેશમાં આ તહેવાર હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે. આ તહેવાર કોઈપણ જીવ માટે ધાતક ન બને તેનું પણ આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.
કડક વલણઃ ગુજરાત હાઇકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી મુદ્દે સરકાર પર અનેક હુકમો કર્યા છે ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે જેમાં આજે સીએમ ભુપેન્દ્ર પટેલે ચાઈનીઝ દોરી બાબતે નિવેદન કર્યું હતું કે ચાઈનીઝ દોરી પર ગુજરાતમાં પ્રતિબંધ છે ત્યારે જો કોઈ ચાઈનીઝ દોરી વેચતું જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવી એ આપણા સૌની જવાબદારી છે. દરિયાપુર ખાતે મકરસંક્રાંતિ પર્વની ઉજવણીમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સાથે દરિયાપુરના ધારાસભ્ય, કોર્પોરેટર સહિત આગેવાનો તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચોઃ ઉત્તરાયણ પર પોળની આગાશીના ભાવ લાખને પાર, ભાડામાંથી આવક
શાહે દર્શન કર્યાઃ ઉતરાયણના દિવસે અમિત શાહ દર વર્ષે અમદાવાદના જગન્નાથ મંદિરે સવારે દર્શન કરે છે ત્યારે આ વખતે પણ તેઓએ સવારે દર્શન કર્યા બાદમાં અમદાવાદમાં પતંગ ચગાવીને ઉતરાયણની ઉજવણી કરી હતી ત્યારબાદ બપોરે અમિત શાહ પોતાના લોકસભા સાંસદ વિસ્તાર એવા ગાંધીનગરના કલોલ ખાતે કાર્યકર્તાઓ સાથે પણ પતંગ ચગાવીને ઉજવણી કરી હતી. કાર્યકર્તાઓ અને સ્થાનિકો સાથે એકદમ સામાન્ય વ્યક્તિની જેમ કેન્દ્રીય પ્રધાન અમિત શાહે પતંગ ચગાવવાની મોજ માણી હતી.