અમદાવાદઃ ગુજરાતમાં પોરબંદર અને સુરતમાંથી ગુજરાત એટીએસ દ્વારા ISKP સંગઠન સાથે સંકળાયેલા આરોપીઓની ધરપકડ કરી હતી. જે કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે. જેમાં સુમેરા સાથે સંપર્ક ધરાવનાર કુલ ત્રણ વ્યક્તિઓની ઉત્તર પ્રદેશથી ધરપકડ કરી લેવાઈ છે. જ્યારે સમગ્ર કેસને તપાસ હેતું ઉત્તર પ્રદેશ એટીએસને સોંપવામાં આવ્યો છે.
UP ક્નેક્શનઃ આરોપીઓ સાથે સંપર્કમાં રહેલા તમામ અન્ય લોકોની પણ તપાસ કરવામાં આવી હતી. જેમાં ઉત્તરપ્રદેશનું કનેક્શન સામે આવ્યું હતું. ગુજરાત એટીએસએ ઉત્તર પ્રદેશમાં પણ અલગ અલગ લોકોની તપાસ કરી આ ગુનામાં સામેલ ત્રણ શખ્સોની યુપીએટીએસની મદદથી ધરપકડ કરી હતી. જે આરોપીઓની પણ તપાસ હાથ ધરવામાં આવી છે. સૂત્રો દ્વારા અપાયેલી માહિતી અનુસાર યુપીમાં ISIS ટેરર મોડ્યુલ સક્રિય હોવાની માહિતી મળતાં ગુજરાત ATSએ ત્રણ લોકોને ઝડપી લીધા હતા.
ગોરખપુરમાં કોણઃ હવે તેઓને UP ATSને સોંપવામાં આવ્યા છે. ISKP આતંકી મોડ્યુલની તપાસ દરમિયાન ગોરખપુરના તારિકનું નામ સામે આવ્યું હતું. તારિક સુરતની સુમૈરાબાનુંના સંપર્કમાં હતો, જેની ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે ઝડપાયેલા તારિકની પૂછપરછ દરમિયાન ખુલાસો થયો કે, તે કટ્ટરપંથી બન્યો હતો અને તેણે યુપીમાં બીજું મોડ્યુલ સેટ કર્યું હતું. ગોરખપુરના એજાઝ અને અદનાન નામના બે વ્યક્તિ તારિકના સતત સંપર્કમાં હોવાનું ખુલ્યું હતું.
તુર્કી જઈ આવ્યોઃ સૂત્રોના જણાવ્યા અનુસાર એજાઝ અગાઉ તુર્કિ પણ ગયો હતો. જ્યારે ગુજરાત ATSએ ત્રણેયની પૂછપરછ કરી ત્યારે ખબર પડી કે ISIS યુપીમાં અન્ય આતંકી મોડ્યુલમાં સક્રિય છે, ત્યારબાદ ત્રણેયને UP ATSને સોંપવામાં આવ્યા છે. આ મામલે યુપી એટીએસ દ્વારા વધુ તપાસ કરવામાં આવશે. ગુજરાત એટીએસની ટીમે સુરતથી સુમેરાની ધરપકડ કરી હતી. જ્યારે એના સાથી પોરબંદરથી જહાંજ મારફત અફઘાનિસ્તાન સુધી પહોંચવાના હતા. પણ સમગ્ર પ્લાન સફળ થાય એ પહેલા જ ગુજરાત એટીએસની ટીમે ઝડપી લીધા હતા.