અમદાવાદ : સૂત્રોના જણાવ્યા અનુસાર જ્યારે દિલ્હી પોલીસ ગેટ નંબર 3માંથી અંદર પ્રવેશ કરી રહી હતી, ત્યારે તેમની પાસે તંત્ર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલો પાસ ન હતા, પરંતુ તેઓ પ્રવેશ કરે ત્યારે ગુજરાત પોલીસે તેમને રોક્યા હતા અને પાસ માંગ્યા હતા પણ પાસ ન હોવાને કારણે તેઓને અંદર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. જેથી દિલ્હી પોલીસ ઉશ્કેરાઇ ગઇ હતી અને સામ સામે આવી ગયા હતા, પરંતુ ગેટ નંબર 3 પર રહેલા ઉચ્ચ અધિકારીએ વચ્ચે આવતા મામલો શાંત પાડયો હતો. ઉલ્લેખનીય છે કે આજે સવારે ગૃહ મંત્રાલયના કર્મચારીઓને પણ પાસ વગર પ્રવેશ આપવામાં આવ્યો ન હતો.
મહત્વનું છે કે જ્યારે 24 ફેબ્રુઆરીના રોજ નમસ્તે કાર્યક્રમ શરૂ થશે, ત્યારે પણ સતત હવાઈ માર્ગ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવશે અને જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ સ્ટેડિયમથી બહાર ન નીકળે ત્યાં સુધી એર પેટ્રોલિંગ રાખવામાં આવશે.
આમ, સુરક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો તમામ ગેટ ઉપર પોલીસનો ખાસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઇપણ અધિકારી હોય કોઈ પણ પોલીસ કર્મચારી હોય તેને પાસ બતાવ્યા વગર સ્ટેડિયમની અંદર પ્રવેશ આપવામાં આવતો નથી. આ ઉપરાંત સ્ટેડિયમની આસપાસના વિસ્તારોમાં હેલિકોપ્ટર દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે.