વિરમગામઃ સરકારે જાહેર કરેલી અતિવૃષ્ટિની સહાયમાં વિરમગામ અને માંડલ તાલુકાનો સમાવેશ ન કરાતા કોંગ્રેસ વિરોધમાં ઊતરી છે. કોંગ્રેસના કાર્યકર્તાઓએ વિરમગામ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને ધરણા કર્યા હતા. વિરમગામ સેવા સદન આગળથી પોલીસે કોંગ્રેસના 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.
આ વર્ષે વરસાદના કારણે રાજ્યના ખેડૂતોને પાક નિષ્ફળ જવાથી ખૂબ જ નુકસાન થયું છે, જેના કારણે રાજ્ય સરકાર દ્વારા અતિવૃષ્ટિ તાલુકાઓનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ આ લિસ્ટમાં માંડલ અને વિરમગામનું નામ ન હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના મતે માંડલ અને વિરમગામના ખેડૂતોનો પણ 90 ટકા પાક નિષ્ફળ ગયો છે. આજુ બાજુના તાલુકામાં જેટલો વરસાદ થયો તેના કરતા પણ વધારે વરસાદ માંડલ-વિરમગામ તાલુકામાં થયો તેમ છતાં આ બે તાલુકાનો અતિવૃષ્ટિ પાક સહાયમાં સમાવેશ નહીં થતાં માંડલ અને વિરમગામ તાલુકાના ખેડૂતોમાં રોષ છે.
આ બંને તાલુકામાં ઠેર ઠેર આવેદનપત્ર, રેલી, સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે ત્યારે આજ રોજ માંડલ અને વિરમગામ કોંગ્રેસ પાર્ટીના આગેવાનો દ્વારા વિરમગામના એમ. જે હાઈસ્કૂલથી તાલુકા સેવા સદન સુધી આક્રોશ રેલી કાઢવામાં આવી હતી, જેમાં અમદાવાદ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી દેવેન્દ્રસિંહ સિંધવ અને તાલુકા કોંગ્રેસના પ્રમુખ દશરથ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ડાહ્યા રાઠોડ, નટુજી ઠાકોર સહિત માંડલ અને દેત્રોજ તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આ રેલી સવારે 10 વાગ્યે શરૂ થઈ હતી, જેને તાલુકા સેવા સદન સુધી પહોંચવાનું હતું ત્યારબાદ મામલતદારને આવેદનપત્ર અને ધરણાં પ્રદર્શનનો પણ કાર્યક્રમ હતો, રેલી નીકળ્યા બાદ અધવચ્ચેથી જ પોલીસે રેલીમાં જોડાયેલા કોંગ્રેસના મહામંત્રી સહિત 50 લોકોની અટકાયત કરી હતી. આ ઉપરાંત વિરમગામના હાંસલપુર ચોકડી પર અન્ય 15 કાર્યકરોની અટકાયત કરાઈ હતી. આમ, કુલ 60 કરતાં પણ વધારે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની વિરમગામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વિરમગામ અને માંડલ તાલુકા ને અતિવૃષ્ટિ સહાય પેકેજ માં સમાવેશ નહી કરાતા ધારણા પર બેસે તે પહેલા જ વિરમગામ સેવા સદન પાસેથી અંદાજિત ૫૦ જેટલા કોંગ્રેસ કાર્યકર્તાઓ અને આગેવાનોની પોલીસે અટકાયત કરી.