અમદાવાદ : પીઝા અને મોમોસના યુગમાં આપણી પરંપરાગત અને સાત્વિક વાનગી યુવાવર્ગ ભૂલી રહ્યો છે. ત્યારે અમદાવાદની સૃષ્ટિ સંસ્થા છેલ્લા 20 વર્ષથી અવિરતપણે વિસરાતી વાનગીના સૃષ્ટિ સાત્વિક મહોત્સવનું આયોજન કરે છે. ત્યારે આ વર્ષે ફરી 23 ડિસેમ્બરથી સોલા ભાગવત વિદ્યાપીઠ ખાતે ચાર દિવસીય ફૂડ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત સહિત દેશભરના વિવિધ પ્રદેશની પ્રખ્યાત વાનગીઓ પિરસવામાં આવશે.
સ્વાદ રસિકો માટે અવસર : ગામડાના કહેવાતા ગરીબ લોકોના ખોરાકમાં વિવિધતા વધુ છે, જ્યારે શહેરી લોકો આર્થિક રીતે સમૃદ્ધ હોવા છતાં આહારની દ્રષ્ટિએ ગરીબ છે ! આ મુદ્દાને ધ્યાનમાં રાખીને લોકજાગૃતિના હેતુથી અપ્રચલિત અને વિસરાઈ રહેલી પરંપરાગત વાનગીને ફરી સમાજમાં સ્થાન આપવા સૃષ્ટિ સાત્વિક મહોત્સવનું આયોજન સૃષ્ટિ સંસ્થા કરે છે. ત્યારે આ મહોત્સવનું ઉદઘાટન 23 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યે કાયદો અને વ્યવસ્થા DGP શમશેરસિંઘના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે.
ચાર દિવસ ચાંદી-ચાંદી હો ! અમદાવાદની સોલા ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં 23 ડિસેમ્બરથી 26 ડિસેમ્બર દરમિયાન આયોજિત સૃષ્ટિ સાત્વિક મહોત્સવમાં ગુજરાત સહિત મણિપુર, જમ્મુ-કાશ્મીર, સિક્કીમ, નાગાલેન્ડ, તમિલનાડુ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, બિહારની વાનગીઓ પિરસવામાં આવશે. સ્વાદના રસિયાઓ સમક્ષ સવારે 11 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધી સોલા ભાગવત વિદ્યાપીઠના પરિસરમાં 40 થી વધુ ગરમ વાનગીઓના સ્ટોલમાં 300 થી વધુ વાનગીઓ રજૂ કરવામાં આવશે.
ઓર્ગેનિક ઉત્પાદનોને મળશે મંચ : આ ઉપરાંત અહીં ઓર્ગેનિક ખેતી કરતા 90 ખેડૂતો પોતાની ખેતપેદાશોનું જાતે વેચાણ કરશે. આ એવા ખેડૂતો છે કે જેમના ખેતરમાં પાક ઉભો હોય ત્યારે સૃષ્ટિ સંસ્થા દ્વારા પધ્ધતિસર ફાર્મ વેરિફિકેશન કરી ઓર્ગેનિક હોવા અંગેની વિવિધ માપદંડથી ખરાઈ કરવામાં આવેલ છે. આ ખેડૂતો સીંગદાણા ઉપરાંત સીંગતેલ, તલનું તેલ, દેશી ગોળ, વિવિધ મસાલા, કઠોળ, ચોખાની અનેક જાતો, જંગલની પેદાશ, વિવિધ પ્રકારના મિલેટ, 30 થી વધુ જાતની શાકભાજી, ફળ, વિવિધ પ્રકારના શરબત, શુધ્ધ મધ, ગાયનું ઘી, દૂધના વિવિધ ઉત્પાદન, આમળા અને કુંવારપાઠામાંથી નિર્મિત ઉત્પાદનો અહીં મળશે. ખેડૂતો હવે પોતાના ખેતરમાં પકવેલી ખેતપેદાશોમાંથી જાતે પ્રક્રિયા કરી વેચતા થાય તે પ્રકારના સ્ટાર્ટ-અપને પણ આ મહોત્સવમાં વિશેષ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
વિશેષ આકર્ષણ : આ મહોત્સવમાં 23 ડિસેમ્બર શનિવારના રોજ સાંજે 7 વાગ્યે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાશ્મીરી સૂફી લોકગાયક ગુલઝાર અહમદ ગનાઇનો કાર્યક્રમ યોજાશે. જ્યારે 25 ડિસેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે દેશભરના 12 સંશોધકોનું સૃષ્ટિ સન્માન કરવામાં આવશે. આ સન્માન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્ય સચિવ પ્રવિણ કે. લહેરી ઉપસ્થિત રહેશે. સોમવારના રોજ સન્માન કાર્યક્રમ પછી સાંજે 7 વાગ્યે જાણીતા કર્મશીલ વિનય મહાજન અને ચારૂલ ભરવાડા સ્વરચિત ખેતી, પર્યાવરણ, જળ સંરક્ષણ અને મિલેટ ઉપરના ગીતની રજૂઆત કરશે.
વિસરાતી વાનગીનો મેળાવડો : સૃષ્ટિ સાત્વિક મહોત્સવમાં શહેરીજનો વિવિધ પ્રકારની વાનગીઓનો સ્વાદ માણી શકશે. વિસરાતી વાનગીમાં માટલા ઉંબાડીયું, સુરતી ઉંધિયુ, પાલક જલેબી, જામનગર ઘુટો, પોટલી ઢોકળી, દાળપાનિયા, લીટીચોખા, બ્લેક રાઈસમાંથી બનાવેલી ખીર, બમ્બુ શૂટ યાકની, ડાંગી થાળી, નીસત હલવા, ડાડે-તે-રઝમા સબ્જી, કારેલા સૂપ, પમ્પકિન સૂપ વીથ પોકારો, રોઝેલા ટી, મિલેટ કબાબ, કાંગ ભાત, મિલેટ મોમો, સેલ રોટી, વેજ થુપ્પા નુડલ્સ, ઓર્ગેનિક ટી વીથ રોસ્ટેડ મેઝ, બકવ્હીટ પુલારો, રીંગણનો ઓળો, સાતધાનનો ખીચડો, ઘઉંના પુડલા સામેલ છે.
300 જેટલી સ્વાદિષ્ટ વાનગીઓ : આ ઉપરાંત રાજગરાના લાડુ, મિલેટ ખીર, જુવારનો પોંક, ડાંગી ડીશ, નાગલી શીરો, રાગીના ગુલાબજાંબુ, મિક્સ મેઝ રાગીનો સૂપ, જુવાર સલાડ, મલ્ટીગ્રેઇન ટીક્કી, જુવાર કોડકે, ઝાવરૂ, રાગી જુવારના મિક્સ વેજ મંચુરીયન, કાઠીયાવાડી દહીં તિખારી, બાજરી,જુવાર, મકાઈના રોટલા, ભરેલું વરાળિયું શાક, આખા લસણનું શાક, વેજીટેબલ બિરયાની, શક્કરીયાની ચાટ, કાઠીયાવાડી ખીચડી અને મકાઇની કઢી, મકાઈ અને જુવારનો ખીચડો, અડદના વડા, મહુડાના લાડુ, મકાઈ પાપડીની ભેળ, મકાઇની રાબ, રતાળુ પેટીસ, પાઇનેપલ જલેબી, કઠોળ રોલ, ઇમરતી, શિંગોડા-સીંગદાણાની ચાટ, રાગી ઢોંસા, કાજીપુરમ ઈડલી, ખીચડીનો લોલીપોપ, લીલી ખીચડી, વઘારેલો રોટલો, ટોઠા, મકાઈ-લીલવાની પોટલી, ચીલની ભાજીના પરોઠા, આબુની રબડી, રીંગણનું ભરથું અને રોટલા, રાગી-મેથી-પાલકના ઢોકળા, સોયાબીન ટિક્કી ચાટ, દૂધી-ગાજરનો હલવો, કુંવારપાઠાના ફૂલનું શાક, લીલી હળદરનું શાક, ઉમરાના ફળનું શાક જેવી વાનગીઓનો પચાસ હજાર સ્વાદ રસિયાઓ લાભ લેશે.
સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન : સૃષ્ટિ સાત્વિક મહોત્સવ આ સૃષ્ટિ સાત્વિક મહોત્સવમાં વિશ્વગ્રામ સંસ્થા (સંજય-તુલા) સાથે મળીને વિદ્યાર્થીઓ માટે સર્જનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રોબોટિક પ્રયોગ, ઓરીગામી, સુથારીકામ, માટીકામ, પગલુછણિયા બનાવવા, ઝાડુ બનાવવું, ચિત્ર સ્પર્ધા, ક્વિઝ, મિલેટ પ્રદર્શન, ગ્રાસરૂટ ઇનોવેશન પ્રદર્શન, પ્રાકૃત્તિક રંગોમાંથી કલર બનાવવા, ગણિત અને વિજ્ઞાનના અનેક પ્રયોગો, ઔષધીય વનસ્પતિનું પ્રદર્શન ઉપરાંત વિસરાતી હસ્તકલાને લગતા પણ સ્ટોલ લગાવવામાં આવ્યા છે.
સૃષ્ટિ સાત્વિક મહોત્સવ : યુવાન વિદ્યાર્થીઓ પોતાના સ્ટાર્ટઅપ અહીં પ્રદર્શિત કરશે. આ વિદ્યાર્થીઓ પોતાના ઇકો-ફ્રેન્ડલી ઉત્પાદનો અને સર્વિસ અંગે જાણકારી આપશે. અહીં સ્વામિનારાયણ યુનિવર્સિટીના સહયોગથી મેડિકલ ડોક્ટર દ્વારા નિઃશુલ્ક હેલ્થ માર્ગદર્શન કેમ્પનું આયોજન કર્યું છે. શ્રી ભાગવત વિધાપીઠ પરિસરમાં મહેમાનો અને પ્રેક્ષકો માટે પાર્કિંગ, પીવાના પાણીની વિશેષ વ્યવસ્થા નિઃશુલ્ક કરવામાં આવેલ છે.