અમદાવાદ : ગુજરાતના પૂર્વ આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસ દ્વારા સિદ્ધપુર મેડિકલ કોલેજની સ્થિતિને લઈને ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. કરોડોના ખર્ચે બનેલી સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની યોગ્ય રીતે જાળવણી થતી નથી તેવા આક્ષેપ સાથેની ફરિયાદ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે વધુ સુનાવણી પાંચ જૂનના રોજ હાથ ધરવામાં આવશે.
કોલેજની પરિસ્થિતિ ખૂબ જ દયનીય :સિદ્ધપુર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ખૂબ જ ખરાબ પરિસ્થિતિને લઈને પૂર્વ આરોગ્યપ્રધાન જયનારાયણ વ્યાસ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં જયનારાયણ વ્યાસે જણાવ્યું છે કે કરોડોના ખર્ચે સિદ્ધપુરમાં આ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવામાં આવી હતી. પરંતુ તેનું યોગ્ય રીતનું મેન્ટેનન્સ અને જાળવણી થતી ન હોવાના કારણે અત્યારે આ કોલેજની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે. હોસ્પિટલના યોગ્ય જાળવણીના અભાવે દર્દીઓને છેક અમદાવાદ સુધી સારવાર લેવા માટે આવવું પડે છે.
પૂર્વ મુખ્યપ્રધાનો સામે આંગળી ચીંધી :આ સાથે જ જયનારાયણ વ્યાસે પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલ તેમજ આનંદીબેન પટેલ ઉપર પણ આક્ષેપ કર્યા હતા કે તેઓના રાજકીય પૂર્વગ્રહના કારણે સિદ્ધપુર અત્યારે આરોગ્ય સેવાઓથી વંચિત છે. ઉત્તર ગુજરાતમાં મારુ જે રાજકીય કદ છે તેમાં વધારો થાય નહીં એવા ડરથી સિદ્ધપુરના લોકોને યોગ્ય આરોગ્ય સુવિધા અપાઈ રહી નથી.
સિદ્ધપુરના રહેવાસીઓની તકલીફ ધ્યાને લો :આ હોસ્પિટલમાં સ્ટાફનો પણ ખૂબ જ અભાવ જોવા મળી રહ્યો છે. જો સરકાર દ્વારા ઈચ્છવામાં આવે તો હોમિયોપેથી વિભાગમાં એક જ અઠવાડિયાની અંદર સ્ટાફની ભરતી કરી શકાય છે. પરંતુ એ બાબતે પણ સરકાર દ્વારા કોઈપણ પ્રકારની દરકાર રાખતી નથી. જો સરકારને હું ન ગમતો હોય તો હોસ્પિટલ યોગ્ય રીતે શરૂ થયા પછી હું તેની મુલાકાત નહીં લઉં. પરંતુ સિદ્ધપુરના રહેવાસીઓને પડતી તકલીફ અંગે સરકારે આ બાબત ધ્યાનમાં રાખવી જોઈએ.
10 વર્ષથી જવાબ અપાતો નથી :જયનારાયણ વ્યાસે અરજીમાં વધુમાં એમ પણ જણાવ્યું હતું કે હોસ્પિટલને વિકસાવવા માટે અનેક પ્રયત્ન કર્યા હતા. મેં સરકારને 10 વર્ષથી આ બાબતે કાગળો પણ લખ્યા હતાં પરંતુ મને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જેના કારણે મારે હાઇકોર્ટમાં આ બાબતે દાદ માંગવામાં આવવું પડ્યું છે.
ડાયાલિસિસ મશીન પણ હટાવી દેવામાં આવ્યા :સિદ્ધપુરમાં આ હોસ્પિટલમાં કેન્સર હોસ્પિટલ જેવી સુવિધા પણ 2012માં બની ચૂકી હતી. પરંતુ હજુ સુધી પણ તેમાં કોઈપણ પ્રકારની સેવા ઉભી થઈ નથી. હોસ્પિટલમાંથી એમઆરઆઇ ડાયાલિસિસ મશીન પણ હટાવી દેવામાં આવ્યા છે. કેન્સર હોસ્પિટલમાં તો માત્ર કીમોથેરાપી જ આપવામાં આવી રહી છે. પ્રજાના પૈસે જે કરોડો રૂપિયામાં આ હોસ્પિટલ ઊભી થઈ છે થતાં પ્રજાને જ કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી.