અમદાવાદ: શહેરમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યુ હોવાનો તંત્રનો દાવો છે. તેમજ રોજ કેસની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળે છે, પરંતુ તેમ છતાં પણ લોકોમાં માસ્ક ન પહેરવાની લાલીયાવાળી જોવા મળી રહી છે. જેના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજે સોમવારે એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેરમાં માસ્ક ન પહેરવા બદલ હવેથી 200ના બદલે 500 રૂપિયા દંડ ફટકારવામાં આવશે.
લોકોમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે અને કોરોનાનું સંક્રમણ સંપૂર્ણ પણે અટકાવી શકાય તે હેતુથી હવે 300 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે જાહેરમાં માસ્ક વિના ફરનારા લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે.
આ ઉપરાંત પાનના ગલ્લાઓ પર જો કોઇ થૂંકશે તો પાનના ગલ્લાના માલિક પાસેથી 10,000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો કોઇ વ્યક્તિ જાહેરમાં થૂંકશે તો તેને પણ 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. રાજ્યભરમાં કોરોનાનો કાળો કહેર વર્તાઇ રહ્યો છે, ત્યારે લોકોમાં હજુ પણ આ ઘાતક વાઇરસને લઇને ગંભીરતાનો અભાવ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો જાહેરમાં માસ્ક વિના ફરતા અને થૂંકતા જોવા મળે છે. જેના પગલે તંત્રએ કડક પગલા લેવા પડી રહ્યાં છે.
રાજ્યના સુરત સહિતના અન્ય વિસ્તારોની સરખામણીએ અમદાવાદની સ્થિતિ પ્રમાણમાં નિયંત્રણ છે, સિવાય કે પકડાતો જતો પશ્ચિમ વિસ્તાર, ઉત્તર પશ્ચિમના બોડકદેવ, થલતેજ, ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયામાં ગઈકાલે 38 અને દક્ષિણ પશ્ચિમઝોનના સેટેલાઇટ, વેજલપુર, મક્કતમપુર, સરખેજમાં 35 કેસ નોંધાયા હતાં.