અમદાવાદઃ રિવરફ્રન્ટ ખાતેના ઈવેન્ટ સેન્ટરમાં 30 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ફ્લાવર શો આંતરરાષ્ટ્રીય કક્ષાનો રહેશે. આ શોમાં માત્ર ગુજરાત કે ભારત જ નહિ પરંતુ વિદેશના રંગબેરંગી અને આકર્ષક ફુલો અને છોડનું પણ પ્રદર્શન કરવામાં આવે છે. આ ફ્લાવર શોમાં આ વખતે 400 મીટર ઊંચું ફ્લાવર સ્ટ્રકચર, સરદાર વલ્લભભાઈનું સ્કલ્પચર તેમજ વડગામના તોરણ જેવો ગેટ પ્રમુખ આકર્ષણ રહેશે.
ફ્લાવર શો ટિટ્સ બિટ્સઃ આ વખતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કુલ રુ. 3 કરોડના ખર્ચે આ ફ્લાવર શોનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ શો 30મી ડિસેમ્બરથી 15મી જાન્યુઆરી સુધી ચાલશે. આ શોમાં 12 વર્ષથી ઉપરના મુલાકાતીઓ માટે સોમથી શુક્રવાર સુધી 50 રુપિયા ટિકિટ રાખવામાં આવી છે જ્યારે શનિ રવિવાર આ દર રુ.75 રાખવામાં આવશે. દર વર્ષે લાખોની સંખ્યામાં મુલાકાતીઓ આ શોની મુલાકાત લેતા હોય છે. મેયર પ્રતિભા જૈનના માર્ગદર્શન હેઠળ અમ્યુકો આ ફ્લાવર શોની તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.
પ્રમુખ આકર્ષણઃ આ વર્ષે જે ફ્લાવર શો યોજાઈ રહ્યો છે તેમાં અનેક પ્રમુખ આકર્ષણનો સમાવેશ થાય છે. જેમાં સરદાર પટેલનું સ્કલ્પચર, 400 મીટર ઊંચું ફ્લાવર સ્ટ્રક્ચર તેમજ વડનગરના તોરણ જેવો ગેટ. આ ઉપરાંત ફ્લાવર શોમાં રંગબેરંગી અને આકર્ષક ફુલો પણ જોવા મળશે. જેમાં ગુજરાત, ભારત ઉપરાંત યુરોપિયન દેશો, ચીન, થાઈલેન્ડ, મલેશિયા, સિંગાપોર, જર્મની અને આફ્રિકાથી વિવિધ ફુલો અને છોડનો સમાવેશ થાય છે. ડેફોડેઈલ્સ, હાઈસિન્થ, ઓક્રિડ વગેરે જેવા અતિ કિમતી ફુલોનું પણ પ્રદર્શન યોજવામાં આવશે. અવનવા ફુલો ઉપરાંત વિવિધ ધાન્યના છોડ અને એક નર્સરી પણ આ ફ્લાવર શોની શોભા વધારશે. મુલાકાતીઓ માટે અન્ય સગવડની સાથે એક ફૂડ કોર્ટ પણ રાખવામાં આવશે.