અમદાવાદઃ દર વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર ગુજરાતમાં ઉનાળા દરમિયાન ગરમીની ભઠ્ઠીમાં શેકાઇ રહ્યું છે. ત્યારે શહેરમાં જુદી જુદી જગ્યાએ આગ લાગવાની ઘટના બનતા ફાયર વિભાગ પણ વ્યસ્ત બન્યું છે.
શહેરમાં શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા અક્ષર કોમ્પ્લેક્સમાં ICICI બેન્ક આવેલી છે. જ્યાં આજે કામના સમય દરમિયાન આગ લાગવાની ઘટના બની હતી. ICICI બેન્કમાં એસીના કોમ્પ્રેસરમાં ગેસ પૂરવાનું કામ ચાલતું હતું. ત્યારે ધડાકાભેર કોમ્પ્રેસર ફાટતાં આગ લાગી હતી. બેંકના કર્મચારીઓ સમયસૂચકતા વાપરીને બહાર નીકળી ગયા હતા.
પરંતુ, આગ લાગવાના કારણે બેંકનું તમામ ફર્નિચર બળીને ભસ્મીભૂત થઇ ગયું હતું. બાજુમાં આવેલા મોબાઇલ સ્ટોર અને જ્વેલર્સની દુકાનમાં પણ થોડું ઘણું નુકસાન થયું હતું. ફાયર વિભાગની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને સંપૂર્ણ રીતે બુઝાવી નાખી હતી. આ આગમાં કોઇ પણ જાતની જાનહાનિની ઘટના બની નથી.