અમદાવાદ : બોપલ-ઘુમા રોડ પર આવેલા દેવ રેસીડેન્સી પાસે આજે દુઃખદ બનાવ બન્યો છે. આજે સવારે હાઈ ટેન્શન લાઈનમાં ફસાયેલા પક્ષીને બચાવવા જતા ફાયર બ્રિગેડના કર્મચારીએ જીવ ગુમાવ્યો છે. ફાયર જવાનનું ઘટનાસ્થળે જ મોત થયા અંગે જાણ થતા ફાયર બ્રિગેડના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
જીવ બચાવવા જતા જીવ ગુમાવ્યો : આ ઘટના અંગે ફાયર બ્રિગેડમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે બોપલ ફાયર બ્રિગેડને કોલ મળ્યો હતો કે, બોપલ-ઘુમા રોડ ઉપર દેવ રેસીડેન્સી પાસે હાઈ ટેન્શન વાયરની લાઈન પર એક પક્ષી ફસાઈ ગયું છે. આથી બોપલ ફાયર સ્ટેશનના કર્મચારી અનિલ પરમાર તેમના સ્ટાફની સાથે બર્ડ રેસક્યુ કોલ એટેન્ડ કરવા માટે સ્થળ પર પહોંચ્યા હતા.
ફાયર જવાનનું કરુણ મોત : ફાયર જવાન અનિલ પરમાર પક્ષીને ઉતારવા પ્રયાસ કરી રહ્યા હતા, તે દરમિયાન તેમનો હાથ હાઈ ટેન્શન વાયરને અડી જતાં ત્યાં જ ચોંટી ગયા હતા. ફાયર જવાન હાઈ વોલ્ટેજ શોક લાગતા ભડભડ સળગી ઉઠ્યા હતા. આ દ્રશ્ય જોઈ તાત્કાલિક સહકર્મીઓ દ્વારા તેમને બચાવવા માટેના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તેમને બચાવી શક્યા નહોતા. ફાયર બ્રિગેડના સ્ટાફે દોરડા વડે મૃતક જવાનને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો.
મૃતકના પરિવાર પર આભ ફાટ્યું : મળતી માહિતી અનુસાર ફાયર બ્રિગેડના કર્મચારી મૃતક અનિલ પરમાર મૂળ સાણંદના રહેવાસી હતા. તેઓના પરિવારમાં તેમની પત્ની અને એક બાળક છે. આ ઘટના અંગે તેમના પરિવારને જાણ કરી દેવામાં આવી છે. આ સમગ્ર ઘટના બનતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
ફાયર વિભાગની કાર્યવાહી : આ ઘટના મામલે તાત્કાલિક ફાયર બ્રિગેડના ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા સહિત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ અધિકારીઓને જાણ કરવામાં આવી હતી. જેના પગલે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઉપરાંત હાઈ ટેન્શન વાયરની લાઈન બંધ કર્યા વગર ફાયર કર્મચારીઓ કેમ કામ કરવા લાગ્યા તે અંગે હાલ તપાસ શરૂ કરવામાં આવી છે.