અમદાવાદ : વિદેશ પ્રવાસ કરી રહેલા કૌટુંબીક ભાઈને એરપોર્ટની અંદર સુધી મૂકવા જવા માટે એક યુવકે ભાઈની ટિકિટમાંથી પોતાની નકલી ટિકિટ બનાવી એરપોર્ટમાં પ્રવેશ મેળવ્યો હોવાની ઘટના સામે આવી છે. જોકે ભાઈને મૂક્યા બાદ પરત એરપોર્ટની બહાર નીકળવાનો પ્રયાસ કરતા સમયે યુવકને પોલીસે બહાર નીકળવા ન દેતા અને તેની ટિકિટ ચેક કરતા અંતે તેનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે એરપોર્ટ પોલીસ મથકે ગુનો નોંધી આરોપી યુવકની ધરપકડ કરવામાં આવી છે.
શું છે સમગ્ર મામલો : અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વિદેશ જવા માટે પાસપોર્ટમાં છેડછાડ કરી પ્રવેશ કરવાનો પ્રયાસ કરનારા અનેક લોકોની ધરપકડ કરીને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે. જોકે હાલ એરપોર્ટ પોલીસ મથકે એક એવો ગુનો દાખલ થયો છે, જેમાં એક યુવકનો કૌટુંબિક ભાઈ વિદેશ જતો હોવાથી તેને એરપોર્ટની અંદર સુધી તેને મૂકવા જઈ શકે તે માટે બનાવટી ટિકિટ બનાવી હોવાનું ખુલ્યું છે.
CISF જવાન : અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર CISF જવાન તરીકે ફરજ બજાવતા ભરતકુમાર ડોડીયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં 9મી જુન 2023ના રોજ રાતના સમયે તે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 2ના સ્ટાફ ગેટ પર હાજર હતા. તેઓ એરપોર્ટના કર્મચારીઓના પાસ ચેક કરી એરપોર્ટની અંદર પ્રવેશ કરવા દેવાની તેમજ એરપોર્ટની અંદરથી કોઈ પેસેન્જર એરલાઇન્સના સ્ટાફની મંજૂરી વગર બહાર ન નીકળે તે જોવાની કામગીરી કરી રહ્યા હતા.
બહાર નીકળવા દેવાની ના પાડી : જે દરમિયાન રાતના પોણા દસ વાગે આસપાસ એક પેસેન્જર તેઓની પાસે આવ્યો હતો. પોતાને એરપોર્ટની બહાર જવાનું જણાવ્યું હતું. જોકે પેસેન્જર જોડે એરલાઇન્સનો કોઈ સ્ટાફ ન હોવાથી CISF જવાને એરલાઇન્સના સ્ટાફને જોડે લાવવાનું કહ્યું હતું. જે બાદ તે પ્રવાસી ત્યાંથી જતો રહ્યો હતો. 15 મિનિટ પછી ફરીવાર તેઓની પાસે આવ્યો હતો. એરલાઇન્સનો સ્ટાફ આવવાની ના પાડે છે, તેવું જણાવતા CISF જવાને પેસેન્જરને એરલાઈન્સ સ્ટાફ જોડે નહીં લાવે તો બહાર નીકળવા દેવાની ના પાડી હતી. તેઓએ ક્યુ.આર.ટી સ્ટાફના કોન્સ્ટેબલને જાણ કરતા તેઓ આવ્યા હતા અને પેસેન્જરને સિંગાપોર એરલાઇન્સના ચેકિંગ કાઉન્ટર પર ગયા હતા.
બનાવટી ટિકિટ કેવી રીતે ખબર પડી : ફરજ પરના સિંગાપોર એરલાઈન્સના સ્ટાફે પેસેન્જર પાસેની ટિકિટ ચેક કરી તેમાં ટિકિટ પર અક્ષય કુમાર ચૌધરી લખેલું હતું, પરંતુ સિસ્ટમમાં ચેક કરતા PNR નંબરની ટિકિટમાં પેસેન્જરનું નામ ચૌધરી અભય કુમાર હોવાનું સામે આવ્યું હતું. અક્ષય ચૌધરી નામના કોઈ વ્યક્તિની ટિકિટ બુકિંગ બતાવતી ન હતી. જેથી પેસેન્જર પાસેની ટિકિટ બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પેસેન્જરનો પાસપોર્ટ ચેક કરતા તેમાં ચૌધરી અક્ષય કુમાર ડાહ્યાભાઈ લખાણ લખેલું હતું. અંતે આ બાબતે બનાવટી ટિકિટને લઈને CISF ઇન્સ્પેક્ટર અમિતા કુમારીને જાણ કરી હતી.
આ અંગે ગુનો દાખલ કરી આરોપી પ્રવાસીને પકડી ધરપકડ કરવામાં આવી છે અને તેની વધુ તપાસ હાથ ઘરાઈ છે.- પી.વી ગોહિલ (PI, એરપોર્ટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ)
પોતાના ભાઈને મુકવા આવ્યો હતો : જે બાદ પેસેન્જર અક્ષય ચૌધરીની પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, PNR નંબર પર તેના કૌટુંબિક ભાઈ અભય જશુભાઈ ચૌધરી જે મહેસાણા વિસનગરનો હોય તેના નામે ટિકિટ બુક થઈ હતી. તે પોતાના ભાઈ અભય ચૌધરીને એરપોર્ટ મૂકવા માટે આવ્યો હતો. ભાઈને એરપોર્ટની અંદર મૂકવા જવા માટે ભાઈની ટિકિટમાં એડિટિંગ કરી તેના ભાઈ અભય ચૌધરીના નામની જગ્યાએ પોતાનું નામ લખીને બનાવટી ટિકિટ બનાવી હતી. જે બાદ આ સમગ્ર બાબતને લઈને એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં અક્ષય ચૌધરી નામના યુવક સામે ફરિયાદ નોંધી તેની ધરપકડ કરવામાં આવી છે.