અમદાવાદ: અલગ અલગ યુનિવર્સિટીની બનાવટી માર્કશીટ બનાવવાના કૌભાંડમાં વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. વસ્ત્રાપુર પોલીસને બાતમી મળી હતી કે, આરોપીઓ લાખો રૂપિયા લઈને બનાવટી માર્કશીટ બનાવી આપે છે. જે બાદ પોલીસે છટકું ગોઠવી બે આરોપીઓને ઝડપી લીધા હતા. જ્યારે એક હજુ પણ ફરાર છે.
પોલીસ સંકજામાં આવેલા આ બંને આરોપીઓને શોર્ટ કટથી રૂપિયા કમાવવા ભારે પડ્યા છે. આરોપીઓ મદ્રાસ યુનિવર્સિટી સહિતની યુનિવર્સિટીના બનાવટી સર્ટિ અને માર્કશીટ બનાવી આપતા હતા. જેના બદલામાં તેઓ લાખો રૂપિયા વસૂલ કરતા હતા.
પોલીસને બાતમી મળતા જ પોલીસે જાતે જ છટકું ગોઢવી પ્રજેશ જાની અને કલ્પેશ પાઠક નામના આરોપીની ધરપકડ કરી બોગસ માર્કશીટ અને સિક્કા કબ્જે કર્યા છે. પ્રજેશ જાની આ સમગ્ર કૌભાંડનો માસ્ટર માઈન્ડ હોવાનુ પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
- અમદાવાદમાં નકલી માર્કશીટનું કૌભાંડ ઝડપાયું
- વસ્ત્રાપુર પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ
- આરોપીઓ લાખો રૂપિયા લઈને બનાવટી માર્કશીટ બનાવી આપતા હતા
કલ્પેશ પાઠક આવા ગ્રાહકો શોધી લાવતો અને તેનો સંપર્ક પ્રજેશ સાથે કરાવતો. પ્રજેશ અલગ અલગ કોર્સની જે યુનિવર્સિટીની કહો તેની બનાવટી માર્કશીટ અને સર્ટિ બનાવી આપતો હતો. આરોપીને પોલીસે ગોઠવેલા ટ્રેપમાં મદ્રાસ યુનિવર્સિટીની એન્જિનિયરિંગની માર્કશીટ બનાવી આપવા માટે કહ્યું હતું. જેના બદલામાં રૂપિયા ત્રણ લાખની માગણી કરી હતી. આરોપી પ્રજેશ જાની બોડકદેવ વિસ્તારમાં રહે છે, જ્યારે કલ્પેશ દહેગામનો વતની છે. કલ્પેશ દેહગામ તેના સબંધીને ત્યાં જતો હતો, ત્યારે બંનેનો સંપર્ક થયો હતો.
પોલીસે આ બંને આરોપીઓની ધરપકડ કરીને આ કૌભાંડ કેટલા સમયથી ચાલતું હતું, તેમાં અન્ય કોણ કોણ આરોપીઓ સંડોવાયેલ છે અને માર્કશીટ તેમજ સર્ટિ ક્યાં પ્રિન્ટ કરાવતા હતા. આ તમામ બાબતોને લઈને વધુ તપાસ હાથ ધરી છે.