વર્ષ 2014માં સાબરમતીમાં આપઘાતના બનાવોમાં વધારો જોવા મળતાં અમદાવાદ ફાયર વિભાગ દ્વારા ફાયર કર્મીઓને સાથે રાખીને રીવર રેસ્ક્યુ ટીમની રચના કરવામાં આવી હતી. વર્ષ 2014થી ભરત માંગેલા અને તેમના સાથી આ ટીમમાં કાર્યરત છે. ભરત માંગેલા રીવર રેસ્ક્યુ ટીમના લીડર છે અને તેઓ ફાયર કંટ્રોલમાંથી આવતા તમામ કોલ લઈને જીવના જોખમે નદીમાં આપઘાત માટે કુદનાર લોકોના જીવ બચાવે છે અને મૃતદેહ પણ બહાર કાઢે છે.
ETV ભારત સાથેની ખાસ વાતચીતમાં ભરત માંગેલાએ જણાવ્યું હતું કે, વર્ષ 2014થી 1500થી વધારે કોલ મળ્યા હતા. જેમાં તેમણે 300 થી 3500 લોકોને રેસ્ક્યુ કરીને જીવતા બહાર કાઢ્યા છે. જ્યારે 1000થી વધુ મૃતદેહને પણ બહાર કાઢ્યા છે. જીવિત હાલતમાં અને મૃતદેહ બહાર કાઢ્યા બાદ ટીમ દ્વારા પોલીસ અને પરિવારજનોને જાણ પણ કરવામાં આવે છે.
આપઘાતના કારણો અંગે ભરતે જણાવ્યું હતું કે, લોકોને જીવુિત હાલતમાં બહાર કાઢ્યા બાદ આપઘાત શા માટે કરે છે, તેનું કારણ પણ તેમને પૂછવામાં આવે છે. ત્યારે જાણવા મળે છે કે ડીપ્રેશન, બીમારી, પ્રેમપ્રકરણ, ભણતર, બેરોજગારી અને પારિવારિક સમસ્યાને કારણે લોકો આપઘાત કરતા હોય છે. આપઘાત કરનારાઓમાં યુવા વર્ગનું પ્રમાણ 60 ટકા જેટલું છે જેમાં 17 થી ઓછી વયના અને 30 થી 35 વર્ષ સુધીના લોકો વધુ હોય છે. આપઘાત કરનારને બચાવ્યા બાદ તેમને જીંદગી કેટલી મહત્વની છે તે પણ સમજાવવામાં આવે છે.
રીવર રેસ્ક્યુ ટીમને લોકોના જીવ બચાવવા અને મૃતદેહ બહાર કાઢવા માટે સાધનો પણ આપવામાં આવ્યા છે. લાઈવ જેકેટ, સ્પીડ બોટ, વાયરલેસ વોકીટોકી વગેરે સાથે રાખવામાં આવે છે. અત્યારે ભરત માંગેલા અને તેમના એક હેલ્પર જ તેમની ટીમમાં છે અને કામ કરે છે. અમદાવાદ સિવાય પણ ભરત માંગેલા પૂર અને વરસાદ જેવી પરિસ્થિતમાં બહારગામ પણ રેસ્ક્યુ માટે જાય છે.
રીવર રેસ્ક્યુ ટીમની કામગીરી દરમિયાન કેટલાક કિસ્સા એવા પણ બને છે કે, જેનો એક વાર જીવ બચાવ્યો હોય અને ફરી વાર પણ તેઓ આપઘાત કરવા આવે છે અને ફરીવાર તેમનો જીવ બચાવી લેવાય છે. તેમણે જણાવ્યુ કે, એક મહિલા 3 વખત આપઘાત કરવા સાબરમતીમાં ઝંપલાવ્યું હતું, પરંતુ ત્રણેય વખત તેને બચાવી લેવામાં આવી હતી. ત્યારબાદ તે ફરીવાર આવી નથી. જ્યારે એક પુરુષે 7 થી 8 વખત નદીમાં ઝંપલાવ્યું છે જેનો જીવ બચાવી લેવાયો હતો, પરંતુ આટલા પ્રયત્ન બાદ પણ ફરી વાર ઝંપલાવ્યું હતું જેનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો.