અમદાવાદ: કર્ણાટક વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં નવો જોશ અને નવો ઊમંગ જોવા મળી રહ્યો છે. તેમજ નવા પ્રમુખ તરીકે કોંગ્રેસના દિગજ્જ નેતા શક્તિસિંહ ગોહિલ આવ્યા પછી કોંગ્રેસના રાજીવ ગાંધી ભવનમાં ચહલપહલ વધી ગઈ છે. આવો આપણે શક્તિસિંહ ગોહિલ સાથે સંવાદ કરીએ અને જાણીએ કે તેઓ હવે શું સ્ટ્રેટેજી અપનાવીને કોંગ્રેસને બેઠી કરશે.
પ્રશ્ન-1: પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સંભાળ્યા પછી આપે કયા કામને પ્રોયોરિટી આપી છે?
જવાબ: પહેલા દિવસે કામની શરૂઆત કરી તે પહેલા અમદાવાદના ગાંધીઆશ્રમમાં જઈને મહાત્મા ગાંધીજીના ચરણોમાં વંદન કર્યા અને પ્રાર્થના કરી હતી. ત્યાંથી અમે પદયાત્રા લઈને નીકળ્યા હતા. મારી સાથે હજારો લોકો ગુજરાતના ખુણેખુણેથી આવ્યા હતા, તેઓ જોડાયા હતા. 5.5 કિમીની લાંબી યાત્રા વખતે હવામાન સારુ ન હતું. કયારેક ગરમીનો ભારે બફારો હતો. અને ત્યાર પછી ઝરમર વરસાદ પણ પડ્યો હતો. પણ કોઈ પદયાત્રામાં હટ્યું ન હતું. આ પ્રજાનો કોંગ્રેસ તરફનો પ્રેમ છે. મારી પ્રથમ પ્રાયોરિટી એ છે કે મારી વાત કોંગ્રેસની વાત પ્રજાના દિલ સુધી પહોંચે. હું ગુજરાતી છું અને ગુજરાતીઓની સમસ્યા હું જાણું છું. અને આ જ ગુજરાતીઓએ ભાજપને મત આપ્યા પછી છેતરાયાનો અહેસાસ કરી રહ્યા છે. અમારો પોઝિટિવ એજન્ડા છે અને તેને લોકો સુધી લઈ જવો છે. ગુજરાતના ખુણેખુણે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને સમર્થક છે, તેમને મોટિવેટ અને એક્ટિવ કરવા છે. કેટલાય લોકોને જોડવા છે. કેટલાક લોકો છોડીને જતા રહ્યા છે, પણ મને એ વાતની ખુશી છે કે તેઓ ઘરવાપસી કરવા તૈયાર થયા છે. તેમની સાથે ખભેખભો મીલાવીને કામ કરીશું. લોકોનો પ્રેમ, આશિર્વાદ અને સમર્થન મળશે. મને પોતાને વિશ્વાસ છે કે અમે ગુજરાતમાં પુરી તાકાતથી ઉભા થઈશું.
પ્રશ્ન-2: હાલમાં જ ડિસેમ્બર 2022માં વિધાનસભાની ચૂંટણી ગઈ છે, તેમાં કોંગ્રેસનો દેખાવ ખૂબ નબળો રહ્યો હતો. માત્ર 17 બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. આ નબળા પરિણામ પછી આપે શું શીખ લીધી છે.
જવાબ: જૂઓ પહેલી વાત તો એ છે કે આ વાત સાચી છે કે કેટલાય વર્ષોથી અમે ગુજરાતમાં પાવરમાં નથી. એ પણ સાચુ છે કે 2022માં માત્ર 17 બેઠકો પર જીત થઈ હતી. અને અમારુ બહુ ખરાબ પ્રદર્શન રહ્યું હતું. એક થર્ડ પાર્ટી આવી ગઈ. આમ આદમી પાર્ટી કે જેણે કોંગ્રેસની વોટબેંકને નુકસાન કર્યું હતું. તેની બેઠકો તો વધારે ન આવી. અને વોટની ટકાવારી પણ વધી નહી. પણ તેણે ભાજપને ફાયદો કરાવ્યો. ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી હતી. તેઓ આમ આદમી પાર્ટીને મત આપીને પસ્તાયા છે. પણ હવે ગુજરાતની પ્રજા તેમના મતને બગાડશે નહી. અમે લોકોના દિલો સુધી પહોંચીશું. પોઝિટિવ એજન્ડા અને ભાજપ કયા નિષ્ફળ ગઈ છે. તે બન્ને વાત પ્રજા સુધી લઈ જઈશું. મને વિશ્વાસ છે કે ગુજરાતીઓ પ્રેમ, આશિર્વાદ અને સમર્થન આપશે જ અને કોંગ્રેસ હવે સારુ પ્રદર્શન કરશે.
પ્રશ્ન-3: 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી છે. તો કોંગ્રેસે શું તૈયારીઓ શરૂ કરી છે?
જવાબ: અમે ઘણી બધી તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગુજરાતના દરેક ખુણા સુધી અમારા વોટર સુધી અમારે અમારી વાત પહોંચાડવી છે. હું એવુ પણ કહીશ કે મતદાતાએ ભાજપ પર જે વિશ્વાસ મુક્યો હતો અને ભાજપને મત આપ્યો હતો. તેવા તમામ મતદાતાઓ વચ્ચે પણ અમે જઈશું. અમારી વાત સાંભળ્યા પછી તે મતદાર પાછો આવશે. ભાજપને મત તો આપ્યો પણ ભાજપની સરકારમાં વારંવાર પેપર લીક થવા, બેરોજગારી વધી છે, અનેક સમસ્યાઓ સર્જાઈ છે. ખેડૂતોને કહ્યું હતું કે આવક બમણી થશે. આવક તો બમણી થઈ નથી પણ સામે મોંઘવારી વધી ગઈ છે. આંતરરાષ્ટ્રીય બજારમાં એલપીજીના પ્રાઈઝ ઘટી રહ્યા છે. જ્યારે ભારતમાં એલપીજી સિલીન્ડરનો ભાવ 410થી વધીને 1100નો પાર કરી ગયો છે. બહુ મુશ્કેલીઓ છે. ભાજપના કેટલાક પસંદગીના નેતાઓ રાજ કરી રહ્યા છે. પણ અમે અમારો પોઝિટિવ એજન્ડા લઈને પ્રજાની વચ્ચે જઈશું.
પ્રશ્ન-4: લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે આપ જશો તો કયા મુદ્દાને લઈને જશો?
જવાબ: જૂઓ મે તમને અગાઉ કહ્યું છે તેમ અમારો ટ્રેક રેકોર્ડ રહ્યો છે કે યુપીએ વન અને યુપીએ-ટુ સરકારમાં અમે જે કહ્યું હતું તે અમે કરીને બતાવ્યું હતું. અમે કહ્યું હતું કે રાઈટ ટુ ઈન્ફોર્મેશન લાવીશું, તે આરટીઆઈ અમે લાવ્યા. આદિવાસીઓ માટે કાયદો લાવ્યો, રાઈટ ટુ એજ્યુકેશન કાયદો લાવ્યા, ફૂડ સિક્યુરિટી બિલ અમે કહ્યું હતું તે પ્રમાણે અમે લાવ્યા, અમે જે કહ્યું તે કામ કરીને આપ્યું છે. ભાજપ જુમલા પાર્ટી છે. કાળું નાણું પાછુ આવશે, દેશવાસીઓના એકાઉન્ટમાં 15- 15 લાખ રૂપિયા જમા આવશે. આવ્યા કોઈના ખાતામાં જમા. દર વર્ષે બે કરોડ નોકરીનું સર્જન કરીશું. કોને મળી નોકરી, હતી તે પણ ઓછી થઈ ગઈ છે. ભષ્ટ્રાચાર તો બંધ થયો જ નથી. અમદાવાદમાં બ્રિજ ઉદઘાટન પહેલા તૂટી પડે છે. ભયમુક્ત ભષ્ટ્રાચાર થઈ રહ્યો છે. યુવાનો મહેનત કરીને પરીક્ષા આપવા જાય છે, તો પરીક્ષામાં જતા પહેલા પેપર લીક થાય છે, તેનો રૂટ ભાજપમાં નીકળે છે. આ બધા મુદ્દા રજૂ કરીશું.
પ્રશ્ન-5: ભાજપે 300થી વધુ બેઠક જીતવાનો ટાર્ગેટ આપ્યો છે. તો શું કોંગ્રેસ કોઈ એવો ટાર્ગેટ મુક્યો છે કે અમે આટલી બેઠકો જીતીશું?
જવાબ: જૂઓ, તમને બેઠક કોણ આપે છે મતદાર આપે છે. લોકતંત્રમાં લોકો મહાન હોય છે. લોકો નક્કી કરે છે કે કોને કેટલી બેઠક આપવી. એવું કહેવું કે મારી 300 સીટ આવશે. આ અહંકાર છે. અહંકાર તો જેની સોનાની નગરી હતી, તેનો પણ ટક્યો ન હતો. આ અંહકારને ગુજરાતની પ્રજા જ તોડશે. ના હું કોઈ અહંકારી છું. ના હું ભવિષ્યવાણી કરનારો છું. હું મારુ કામ કરીશ અને લોકોના દિલો સુધી જઈશ. મને વિશ્વાસ છે મારી પાર્ટીને લોકો સમર્થન આપશે.
પ્રશ્ન-6: વડાપ્રધાને એક દેશમાં બે કાયદા કેવી રીતે હોઈ શકે? તેવું નિવેદન કર્યું છે. તેમણે યુનિફોર્મ સિવિલ કોડની તરફેણ કરી છે. આ અંગે આપનો શું વિચાર છે.?
જવાબ: જ્યારે જ્યારે ચૂંટણી આવે છે ત્યારે આવી રાજનીતિ થાય છે. કેટલા વર્ષથી સત્તામાં છે, 2014થી છે. જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે આવી વાત કેમ કરો છો. ભાજપની કેન્દ્રમાં સરકાર બન્યા પછી તેમની જ લૉ કમિશને કહ્યું હતું કે યુનિફોર્મ સિવિલ કોડ લાવી શકાય નહી. જે લૉ કમિશનની નિમણૂંક કરી હતી કે ભાજપની સરકારે જ. યુનિફોર્મ સિવિલ કોડ મુસ્લિમ ભાઈઓ નહી પણ મારા આદિવાસી ભાઈઓ પર વધારે પડશે. આદિવાસી સમાજની એક અલગ સંસ્કૃતિ છે. એક અલગ રિવાજ છે. તેમને આપણા બંધારણે અલગ સુવિધા આપી છે. શું તમે આદિવાસીઓની સંસ્કૃતિને નષ્ટ કરશો. આવું બધુ લાવીને આ લોકો ગિમિક કરે છે. સત્તામાં આવ્યાને નવ વર્ષ થઈ ગયા છે, અત્યારે કેમ બોલો છો. આ એક ચૂંટણીલક્ષી રાજકારણ છે.