અમદાવાદના વેપારીઓ સાથે અત્યાર સુધી કરવામાં આવતી છેતરપીંડી (Disposition of the offense fraud with merchants) મામલે પોલીસ કમિશનર અને ગૃહ વિભાગ સુધી કરાયેલી રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં લઈને શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા છેલ્લા 2 વર્ષથી EOW (ECONOMIC OFFENCE WING AHMEDABAD) એટલે કે આર્થિક ગુના નિવારણ શાખા શરૂ કરવામાં આવી છે. જે શહેર પોલીસ કમિશનરની સીધા હસ્તકમાં આવે છે. (ahmedabad crime news)
આ પણ વાંચો: લગ્નના નામે છેતરપિંડી, અમદાવાદમાં લૂંટેરી દુલ્હન જ્વેલરી લઈ ફરાર
વર્ષ 2020મા ડિસેમ્બર માસમાં ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના હસ્તે નવી બિલ્ડીંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ શાખાએ અત્યાર સુધીમાં અનેક વેપારીઓના કરોડો રૂપિયા તેઓને પરત અપાવવાની મહત્વપૂર્ણ કામગીરી કરી છે. મસ્કતી માર્કેટના કાપડના વેપારીઓ પાસેથી લાખો રૂપિયાની કાપડની ખરીદી કરીને પૈસા ન આપી છુમંતર થઈ જનારા અનેક આરોપીઓને ઝડપીને વેપારીઓને ન્યાય અપાવવામાં આવ્યો છે.
વર્ષ 2021મા 297 જેટલી અરજીઓ વેપારીઓ તરફથી મળી હતી જેમાં 24 જેટલી ફરિયાદ દાખલ કરી અને અંદાજે 187 જેટલી અરજીના નિકાલ કરવામાં આવ્યો હતો. અને વેપારીઓ સાથે થયેલી ઠગાઈના અંદાજે 7.5 કરોડ રૂપિયા તેમને EOW દ્વારા પરત અપાવવામાં આવ્યા હતા.
વર્ષ 2022મા 193 જેટલી અરજીઓ આર્થિક ગુના નિવારણ શાખાને મળી હતી. જેમાં 16 જેટલી એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો કાપડના અને સળિયાના વેપારીઓ સાથે બનતી છેતરપિંડીના ગુના સંદર્ભે 7 કરોડ જેટલી રકમ વેપારીઓને પરત અપાવવામાં આવી છે અને અન્ય બેંક ફ્રોડ, પોન્જી સ્કીમ, જમીન અને ચિટીંગમાં પાંચ કરોડ જેટલી રકમ ભોગ બનનારને પરત અપાવવામાં આવી છે. અત્યાર સુધીમાં આશરે 300 જેટલી અરજીઓ આર્થિક ગુના નિવારણ શાખાને મળી છે અને કુલ 40 જેટલી ફરિયાદો દાખલ કરીને વેપારીઓને આરોપીઓ પાસેથી કરોડો રૂપિયા પરત અપાવવાની કામગીરી EOW દ્વારા કરવામાં આવી છે.
7 કરોડ 71 લાખ રૂપિયાની છેતરપિંડી: આર્થિક ગુના નિવારણ શાખાને મળેલા અત્યાર સુધીના કેસમાં સૌથી મોટી રકમનું ચિટીંગ હોય તો તે અનિલ મીલના માલિકો જેમાં અમુલ શેઠ અને અન્ય દ્વારા કરવામાં આવેલી ઠગાઈનો કેસ હતો. જેમાં જુદી જુદી વ્યક્તિઓને ઊંચા વ્યાજની લાલચ આપી અને લોકો પાસેથી 7 કરોડ 71 લાખ રૂપિયા મેળવીને છેતરપિંડી આચરવામાં આવી હતી. જેમાં આર્થિક ગુના નિવારણ શાખામાં ગુનો નોંધાતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી અને તેમાં કોટે આરોપીઓને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ પણ વાંચો: પોલીસે કરોડોની કિંમતનું હેરોઈન ઝડપ્યું, 2 ડ્રગ સ્મગલરની ધરપકડ
ક્રેડિટ કાર્ડથી ઠગાઈ: અન્ય એક કેસની વાત કરીએ મેડિક લાઇફ સાયન્સ પ્રાઇવેટ લિમિટેડ તેમજ જાયન્ટ સિક્યોર સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ અને મેડી ઓનસ હેલ્થ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીઓમાં કોઈપણ કર્મચારીઓ નોકરી કરતા ન હોવા છતાં તેઓ નોકરી કરે છે અને બેંકમાં અલગ અલગ બ્રાન્ચમાં ખાતા ખોલાવી સેલેરી તેમના બેંક ખાતામાં જમા કરાવી 142 જેટલા ક્રેડિટ કાર્ડ મેળવી અને ક્રેડિટ કાર્ડની લિમિટ મુજબ ખોટા ઉભા કરેલા ગ્રીન્રોફર્સ સુપર માર્કેટ અને અન્ય જગ્યાઓ પર તે સ્વેપ કરીને સવા કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી. જે ગુનામાં આર્થિક ગુના નિવારણ શાખાએ 13 આરોપીઓની ધરપકડ કરી હતી અને જેમાં નામદાર કોર્ટે આરોપીઓને 60 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ કર્યો હતો.
ખોટી હાઉસિંગની સ્કીમના નામે છેતરપિંડી: તેવો જ એક કિસ્સો બનાસકાંઠાના ભાભરમાં સામે આવ્યો હતો, જેમાં ઇન્ડિયા હોમ લોન લિમિટેડ નામની કંપની સાથે ખોટી હાઉસિંગની સ્કીમ ઉભી કરી 32 પ્લોટ ધારકોના નામ ઉપર રૂપિયા ચાર કરોડની લોન લઈને છેતરપિંડી આચરવામાં આવી હતી. જે મામલે આર્થિક ગુના નિવારણ શાખાએ ગુનો દાખલ કરીને 8 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં કોર્ટે 86 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ કર્યો હતો. આ પ્રકારે આર્થિક ગુના નિવારણ શાખાએ છેલ્લા બે વર્ષમાં અનેક વેપારીઓના સામાન્ય લોકોના સરકારી અથવા તો ખાનગી એજન્સીઓના ફસાયેલા અથવા તો છેતરપિંડી કરીને પડાવી પાડવામાં આવેલા પૈસા તેઓને પરત આપવા માટે મહત્વની ભૂમિકા ભજવી છે.