અમદાવાદઃ BCGની 31 ડિસેમ્બર સુધીની નોકરી કે વ્યવસાય કરવાની વકીલોને હંગામી છૂટ આપતા ઘણા વકીલો હાલ નોકરી શોધી રહ્યાં છે. કેટલાક વકીલોએ સોશિયલ મીડિયા પર પોતે કોરોનાને લીધે બેરોજગાર થયા છે, નોકરી જોઈએ એવી પોસ્ટ શેર કરી રહ્યા છે, તો કેટલાક હજૂ નોકરી શોધી રહ્યાં છે.
અમદાવાદની કોર્ટમાં નોકરી કરતા એક વકીલે જણાવ્યું હતું કે, BCGએ અમને 31મી ડિસેમ્બર સુધી અન્ય કોઈ નોકરી કે વ્યવસાય કરવાની હંગામી છૂટ આપી છે, જો કે, એમાં 31મી ડિસેમ્બર સુધી છૂટછાટ આપી હોવાનું સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોવાથી કેટલાક નિયોજક અમને નોકરીએ રાખતા નથી. તેમના મતે અમે 31મી ડિસેમ્બર પછી વકીલાત શરૂ થશે તો નોકરી છોડીને જતા રહીશું.
કોરોના વાઇરસ અને લોકડાઉનની વકીલો પર અસર
- કોરોના સંક્રમણને કારણે કોર્ટમાં મર્યાદિત સુનાવણીને લીધે વકીલોના રોજગારને ફટકો પડયો
- વકીલોએ સોશિયલ મીડિયા પર પોતે કોરોનાને લીધે બેરોજગાર થયા છે, નોકરી જોઈએ એવી પોસ્ટ શેર કરી
- BCG (બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) દ્વારા 8000 જેટલા જરૂરિયાતમંદ વકીલોને 5 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી
- ગુજરાત હાઈકોર્ટ બાર એસસોશિયેશના પ્રમુખ યતિન ઓઝા દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખ્યો
- બાર એસોશિએેશન ઓફ ગુજરાતે 31 ડિસેમ્બર સુધી અન્ય જગ્યાએ નોકરી કરવાની છૂટ આપી
- હાઇકોર્ટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળવામાં આવતા કેસની સંખ્યામાં અને જ્યુડિશિયલ બેન્ચમાં વધારો કર્યો
કોરોનાને કારણે લાગુ કરાયેલા લોકડાઉનનો માર સમાજના બધા જ વર્ગો પર પડ્યો છે. ન્યાય માટે લડતા વકીલો પણ તેમાંથી બાકાત રહ્યા નથી. કોરોના સંક્રમણને લીધે કોર્ટમાં મર્યાદિત સુનાવણીને લીધે તેમના રોજગારને પણ ફટકો પડયો છે.
શરૂઆતમાં તો BCG (બાર કાઉન્સિલ ઓફ ગુજરાત) દ્વારા 8000 જેટલા જરૂરિયાતમંદ વકીલોને 5 હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે. જો કે, ત્યાર પછી પણ ગુજરાતમાં કોરોનાનું સંકટ દૂર ન થતાં BCGએ વકીલોને 31મી ડિસેમ્બર સુધી અન્ય કોઈ વ્યવસાય કે નોકરી કરવાની હંગામી છૂટ આપી હતી.
ગુજરાત હાઇકોર્ટ અને નીચલી અદાલતોમાં હાલ મોટાભાગે જામીન, ક્રિમિનલ મેટર અને અરજન્ટ મેટર પર વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સુનાવણી કરવામાં આવે છે. કોરોના સમયમાં અત્યારે નીચલી અદાલતોમાં દસ્તાવેજ, લગ્નના સર્ટીફિકેટ બનાવવાના કાર્યોમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
હાઈકોર્ટમાં ફિઝિકલ સુનાવણી માટે ગુજરાત હાઈકોર્ટ બાર એસસોશિયેશના પ્રમુખ યતિન ઓઝા દ્વારા ચીફ જસ્ટિસ ઓફ ગુજરાત અને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને પત્ર લખવામાં આવ્યો હતો. જો કે, આ માંગ સ્વીકારવામાં આવી ન હતી. હાઇકોર્ટે વકીલોની માંગને ધ્યાનમાં રાખીને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થતી સુનાવણીના કેસોની સંખ્યામાં વધારો કર્યો છે.ટ
22મી માર્ચ બાદ ગુજરાત હાઈકોર્ટ સહિત રાજ્યની તમામ અદાલતોમાં માત્ર અરજન્ટ કેસની સુનાવણી હાથ ધરવાનો આદેશ કરવામાં આવ્યો હતો. જો કે, વકીલોની માંગને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સાંભળવામાં આવતા કેસની સંખ્યામાં અને જ્યુડિશિયલ બેન્ચમાં વધારો કર્યો હતો. નીચલી અદાલતોમાં પણ આજ રીતે સ્થિતિને ધીરે ધીરે રાબેતા મુજબ લાવવા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યાં છે.