પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતી મિત્તલ પરમારે 10 વર્ષ પહેલાં 2009 માં ધોરણ-10ની પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ પારીવારીક સમસ્યાના કારણે અભ્યાસ છોડી દીધો હતો અને 2016 માં તેણીએ પ્રેમલગ્ન કર્યા હતા. ત્યારબાદ પતિના આગ્રહથી ફરીથી અભ્યાસ કરવાનું શરૂ કર્યું અને ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 99.77 પર્સન્ટાઈલ મેળવ્યા હતા.
તેણીએ પોતાની સફળતાનો શ્રેય પતિને આપ્યો હતો અને ETV Bharat સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષથી તેના પતિએ અભ્યાસથી લઈને દરેક કાર્યમાં તેને મદદ કરી હતી. હું અભ્યાસ કરતી હોઉં ત્યારે ઘરનું કામ પણ કરતા હતા અને મારા અભ્યાસને લઈ તેમણે હમેશા સપોર્ટ કર્યો છે અને હું તેમના વિશ્વાસ પર ખરી ઉતરી છું જેનો મને આનંદ છે. તેમજ આ બાબતે તેમજ પત્નિની સફળતા અંગે તેમના પતિને પૂછતા તેઓએ કહ્યું કે, મિત્તલ હજુ વધુ ભણે અને વધુ પ્રગતિ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી અને તેને હમેશા સપોર્ટ કરતા રહેશે એમ પણ જણાવ્યું હતું.