અમદાવાદ: શહેર પોલીસ કમિશનરનું પદ છેલ્લા ઘણા સમયથી ચાર્જમાં ચાલી રહ્યો છે. તેવામાં શહેરમાં ગુનાખોરી અટકાવવા માટે પોલીસનો સૌથી મોટો હથિયાર જ નિષ્ક્રિય હોય તેનો સીધો લાભ ગુનેગારો લઇ રહ્યા છે. અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનરનો ચાર્જ એડિશનલ CP પ્રેમવીરસિંહ યાદવને આપવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી તેઓને પાસા કરવાની સત્તા આપવામાં ન આપી હોવાથી ગુનેગારો જામીન પર છૂટીને શહેરને બાનમાં લઈ રહ્યા છે. અમદાવાદની મધ્યમાં આવેલા ગીતામંદિર એસટી બસ સ્ટેશનમાં ફરી વાર અસામાજિક તત્વો મુસાફરોને, સ્થાનિક વેપારીઓને અને ST ના કર્મીઓ સાથે દાદાગીરી, મારામારી અને વાહનોમાં તોડફોડ કરતા હોય તેવી ફરી ઘટના સામે આવી છે.
ગીતામંદિર બસ સ્ટેન્ડ પોલીસ ચોકીમાં તોડફોડ: કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મજૂર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગાનો આતંક યથાવત્ છે. ભાવેશ અને તેનો સાગરીતે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી વેપારીઓ અને મુસાફરો સાથે બોલાચાલી કરી મારામારી કરી હતી. એસટી સ્ટેન્ડમાં આવેલી પોલીસ ચોકીના દરવાજાના કાચ તોડી નાખ્યા હતા. જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
પોલીસને મોટી ચેલેન્જ: બે મહિના પહેલા ગીતા મંદિર એસટી સ્ટેશન ખાતે તોડફોડ, મારામારી કરનાર કુખ્યાત ભાવેશ ઉર્ફે મંગો નામના આરોપીની ધરપકડ કરાઈ હતી. અનેક ગુનાઓ આચરનાર ભાવેશને પાસા ન કરી શકાતા તે જામીન પર છૂટી ગયો અને ફરી તે જ જગ્યા બાનમાં લીધી છે. અને આ વખતે તો તેને હદ વટાવી ગીતામંદિર ST પોલીસ ચોકીમાં જ તોડફોડ કરી પોલીસને મોટી ચેલેન્જ આપી છે.
મંગા સામે 11 જેટલી પોલીસ ફરિયાદ: ભાવેશ ઉર્ફે મંગા સામે બે મહિના અગાઉ બસ સ્ટેન્ડ પર આતંક મચાવી ખંડણી ઉઘરાવવા અંગે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. બે દિવસ પહેલા પણ મજૂર ગામ વિસ્તારમાં સ્થાનિકો સાથે બોલચાલ થઈ હતી અને તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જે કેસમાં તેને પકડવા માટે પોલીસ ઘરે જતી હતી. જેની અદાવત રાખીને તેણે વહેલી સવારે પોલીસ ચોકીમાં તોડફોડ કરી સરકારી મિલકતને નુકસાન પહોંચાડ્યું છે. જે બદલ વધુ એક ફરિયાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં દાખલ થઈ છે. એટલે કે અત્યાર સુધી મંગા સામે કુલ 11 જેટલી પોલીસ ફરિયાદ દાખલ થઈ ચૂકી છે.
" આરોપી સામે બે દિવસ પહેલા એક ફરિયાદ દાખલ થઈ હતી જેથી તેને પકડવા માટે પોલીસ જેના ઘરે જતી હતી અને તે જ વાતની અદાવત રાખીને આરોપીએ વહેલી સવારે ગીતામંદિર એસટી પોલીસ ચોકીમાં તોડફોડ કરી છે હાલ તે તેમજ તેના સાગરીત બંનેની ધરપકડ કરી પાસા કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે." - એચ.સી ઝાલા, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના PI
પોલીસ પણ લાચાર: હાલ તો પોલીસે મંગા સામે વધુ એક ગુનો નોંધી ધરપકડ કરી છે, જોકે પોલીસ પણ લાચાર બની છે, કારણ કે ગુનેગારી ડામવા માટેનું સૌથી મોટું હથિયાર પાસા છે, આરોપીને પાસા કરવામાં આવતા તે થોડા સમય જેલમાં રહે છે અને વિસ્તારમાં શાંતિ ભર્યો માહોલ રહે છે, પરંતુ પોલીસ કમિશનર પાસે પાસા કરવાની સત્તા જ ન હોવાથી આ જ ભાવેશ ઉર્ફે મંગો બે ચાર દીવસમાં જામીન પર છૂટી ફરી આતંક મચાવે તો નવાઈ નહીં.